એમેઝોન-ફ્લિપકાર્ટ સામે સ્પર્ધા આયોગ તપાસ કરશે

એમેઝોન-ફ્લિપકાર્ટ સામે સ્પર્ધા આયોગ તપાસ કરશે
નવી દિલ્હી, તા. 14 : બિઝનેસ ગેરવ્યવહાર અને ધોરણોના ઉલ્લંઘન માટે કોમ્પિટિશન કમિશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ઈ-કૉમર્સ કંપનીઓને ચેતવણી આપતાં કહ્યું છે કે તે મોબાઇલ ફોનના થતા `અસાધારણ' અૉનલાઇન વેચાણ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. સીસીઆઈના ચૅરમૅન અશોક ગુપ્તાએ સંકેત આપ્યો કે અૉફલાઇન સ્ટોર્સના ભાવિને જોખમમાં મૂકતી ઈ-કૉમર્સ કંપનીઓ સામે પગલાં લેવાશે. સીસીઆઈએ તેની ટીમને એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ્સની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ થોડા દિવસો પછી ભારતની મુલાકાત લેવાના છે એવામાં સીસીઆઈએ ચેતવણી જાહેર કરી છે. સૂત્રોએ કહ્યું કે, બેઝોસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવા માગે છે.
નાના વેપારીઓ એમેઝોન અને વોલમાર્ટ માલિકીની ફ્લિપકાર્ટના વિરોધમાં છે. કોન્ફડેરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)એ ચીમકી આપી છે કે ભારતમાં બેઝોસ આવશે ત્યારે તેના વિરોધમાં દેશનાં 300થી વધુ શહેરોમાં આંદોલન કરવામાં આવશે. સીસીઆઈએ કેઈટને તેમના નાના વેપારીઓનાં હિતોની સુરક્ષા કરવા માટે આશ્વાસન આપ્યું છે. ગુપ્તાએ કહ્યું કે, સકારાત્મક સ્પર્ધા વધારવા માટે દરેક હિસ્સાધારકોને અસમાનતા નાબૂદ કરીને પારદર્શકતા વધારવા આદેશ આપ્યો છે. ત્રુટિઓ દૂર કરવા માટે ઈ-કૉમર્સ કંપનીઓને સમય આપવામાં આવ્યો છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer