ફુગાવાને અવગણીને શૅરોમાં સુધારાની આગેકૂચ

ફુગાવાને અવગણીને શૅરોમાં સુધારાની આગેકૂચ
એફઍન્ડઓનાં ઓળિયાં જોતા મોટા ઘટાડાની સંભાવના ઓછી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : શૅરબજારમાં સુધારો ચાલુ રહ્યો હતો. ચીન-અમેરિકા વચ્ચેનું વેપારયુદ્ધ પૂરું થવાના સંકેતોથી સ્થાનિક બજારમાં ફુગાવામાં નોંધપાત્ર વધારાને અવગણીને સટ્ટાકીય લેવાલી ચાલુ રહેતા બજાર વધીને બંધ રહ્યું હતું. એનએસઈ ખાતે નિફટી ટ્રેડ દરમિયાન ઊંચામાં 12374 થયા પછી અંતે 33 પૉઈન્ટ વધીને 12362.30 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 41994 પૉઈન્ટ સુધી ગયા પછી અંતે 93 પૉઈન્ટ વધીને 41953 બંધ હતો. આજના કામકાજ દરમિયાન નિફટીમાં 37 શૅરના ભાવ સુધારા સામે 13 શૅર ઘટાડે બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે મિડ-કૅપ ઈન્ડેકસ 0.74 ટકા અને સ્મોલ-કૅપ ઈન્ડેકસ 0.71 ટકા વધ્યો હતો. આજના સુધારાતરફી વલણ છતાં ઈન્ડસઈન્ડ બૅન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એસબીઆઈ 1થી 4 ટકા સુધી ઘટાડે રહ્યા હતા.
ક્ષેત્રવાર નિફટીમાં મીડિયા અનેએફએમસીજી ઈન્ડેકસ અનુક્રમે 2.26 અને 1.4 ટકા સુધારે હતા. જોકે, પીએસયુ બૅન્કેક્સ અડધા ટકા સુધી ઘટયો હતો. આજના સુધારાની આગેવાની લેનાર શૅરોમાં એચડીએફસી રૂા. 30, બજાજ ફિનસર્વ રૂા. 100, નેસ્લે રૂા. 210, એક્સિસ બૅન્ક રૂા. 11, હીરો મોટોકોર્પ રૂા. 45, એચયુએલ રૂા. 14, સિપ્લા રૂા. 7, ટેક મહિન્દ્રા અને એચસીએલમાં 1 ટકા સુધારો મુખ્ય ગણાય. ઘટનાર શૅરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 15, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 58, યસ બૅન્ક રૂા. 3.50, કોટક બૅન્ક રૂા. 15 મુખ્ય રીતે દબાણમાં બંધ હતા. વ્યક્તિગત શૅરમાં રેલીગેર 0.5 ટકા વધવા સામે અદાણી ગ્રીન 5 ટકા ઘટાડે હતો. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દૈનિક ધોરણે એમએસીડીની ટ્રેન્ડ લાઈન નબળાઈસૂચક છે, જ્યારે એફએન્ડઓના ઓળિયાં જોતા બજારમાં મોટા ઘટાડાની સંભાવના ઓછી છે. આજે વીઆઈએકસ ઈન્ડેકસ 1 ટકા ઊંચે રહ્યો હતો. જ્યારે સેશન દરમિયાન નિફટી 12309 અને 12375 વચ્ચે ફરતો રહ્યો હતો. અગાઉના અંદાજ પ્રમાણે 12400ની સપાટી ઉપરના બે બંધ નવી મજબૂત તેજી માટે આવશ્યક ગણાય તે ધ્યાને લઈને કામકાજ કરવું હિતાવહ રહેશે.
વૈશ્વિક બજાર
ચીનના ચલણ યુઆનના ભાવમાં સુધારા સામે શાંઘાઈ ઈન્ડેકસ 9 પૉઈન્ટ ઘટયો હતો. અમેરિકા-ચીનના ટ્રેડ કરાર પછી વૈશ્વિક બજારોનું નવેસરથી વિશ્લેષણ થવાની શક્યતા છે. હૅંગસૅંગ ઈન્ડેકસ 70 પૉઈન્ટ દબાણમાં રહ્યો હતો. જોકે, જપાન ખાતે નિક્કી 0.7 ટકા વધીને મહિનાના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. જોકે, પાન-યુરોપિયન સ્ટોકસ-600 0.2 ટકા ઘટાડે હતો.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer