ખાંડમાં તેજીનો કરન્ટ ભાવ બે વર્ષની ઊંચાઈએ

ખાંડમાં તેજીનો કરન્ટ ભાવ બે વર્ષની ઊંચાઈએ
ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 14 : ખાંડના ભાવ સ્થાનિક અને જાગતિક સ્તરે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. છેલ્લાં ચારેક સપ્તાહમાં કાચી અને રિફાઇન્ડ સુગરના ભાવ 8થી 9 ટકા વધી ગયા છે. જાગતિક બજારમાં કરન્ટ આવ્યો છે, તેથી ઘરઆંગણે પણ સકારાત્મક આંતરપ્રવાહ સર્જાયો છે. નવેમ્બરથી શરૂ થયેલું શોર્ટ કવરીંગ હજુ સુધી પૂરું નથી થયું, આ જોતાં ભાવ હવે નવી ઉંચાઈ સર્જે તેવી શક્યતા નકારાતી નથી. આઈસીઈ રો સુગર ન્યૂ યોર્ક માર્ચ વાયદો મોટા સોદે બે વર્ષની ઉંચાઈએ 14.23 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) અને માર્ચ વ્હાઈટ સુગર ટન દીઠ 382 ડોલર મંગળવારે બોલાઈ હતી. મીર કૉમોડિટીઝ ઇન્ડિયાના એમડી રાહિલ શેખે કહ્યું કે વર્તમાન ભાવનું વલણ જોતાં વિશ્વાસપૂર્વક કહી શકાય કે ભારત આ વર્ષે પચાસ લાખ ટન ખાંડ નિકાસ કરવાના લક્ષ્યાંકને સરળતાથી પહોંચી વળશે.  
ખાંડ નિકાસનો વેગ વધી રહ્યો છે, ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશન (ઈસ્મા)ના ડેટા કહે છે કે સરકારના મેક્સિમમ એડમિસિબલ એક્સપોર્ટ ક્વોન્ટિટી ક્વોટા હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ ટન ખાંડ વિદેશમાં રવાના થઇ  છે. નિકાસકારોએ આ સોદા સરેરાશ 300 ડોલર રો સુગર અને 330 ડોલર એફઓબી વ્હાઈટ સુગર ભાવે કર્યા છે. ગત વર્ષે સમાનગાળામાં નિકાસ માત્ર 8.5 લાખ ટન થઇ શકી હતી. ઈસ્માએ રજૂ કરેલા તેના તાજા ડેટામાં કહ્યું છે કે ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન મોસમના ડિસેમ્બર 2019 સુધીનું ખાંડ ઉત્પાદન, ગત વર્ષના 111.7 લાખ ટન સામે માત્ર 77.9 લાખ ટન થયું હતું. આનું મૂળ કારણ શેરડીમાં ફ્રુક્ટોસ (સર્કરા)નું પ્રમાણ ગત વર્ષે આ ગાળામાં સરેરાશ 10.33 ટકા આવ્યું હતું તે ઘટીને 9.94 ટકા રહ્યું હતું.  
ઈસ્મા તેના આ મોસમના પ્રથમ ઉત્પાદન અંદાજમાં કહે છે કે ખાંડ ઉત્પાદન ગત વર્ષના 331.6 લાખ ટનથી ઘટીને માત્ર 260 લાખ ટન આવશે. ભારતનો વપરાશ 260 લાખ ટન અંદાજિત છે, આ જોતા 2020-21ની મોસમનો આરંભ 85થી 90 લાખ ટન પુરાંત સાથે થશે, એમ ઇસ્માનું માનવું છે. બોમ્બે સુગર મર્ચન્ટ ઍસોસિયેશનના પ્રમુખ અશોક જૈન કહે છે કે માગ પુરવઠાની સ્થિતિ જોઈએ તો સ્થાનિક બજારમાં ભાવ વેગથી વધી જવાની કોઈ શક્યતા અત્યારે જણાતી નથી. પણ હા, સરકાર સ્થિતિને કઈ રીતે સંભાળે છે તેના પર પણ ભાવની વધઘટ સંભવિત છે. આ વર્ષે ભારત પાસે 146 લાખ ટન પુરાંત સુગર હાથ પર છે.  
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer