ડિસેમ્બર ત્રિમાસિકમાં વિપ્રોની આવક વધી, નફો ઘટયો

ડિસેમ્બર ત્રિમાસિકમાં વિપ્રોની આવક વધી, નફો ઘટયો
શૅર દીઠ એક રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાશે
મુંબઈ, તા. 14 : વિપ્રોનો તા. 31 ડિસેમ્બર, 2019ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનો એકત્રિત ચોખ્ખો નફો 2.17 ટકા ઘટી રૂા. 2455.9 કરોડ થયો છે. અગાઉના વર્ષના આ જ ગાળામાં કંપનીનો નફો રૂા. 2510.4 કરોડનો હતો.
જોકે, કંપનીની આવક 2.73 ટકા વધી રૂા. 15,470.5 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના આ જ ગાળામાં રૂા. 15059.5 કરોડ હતી.
કંપનીએ આ સાથે રૂા. 2ની કિંમતના ઇક્વિટી શૅર દીઠ રૂા. 1નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આના માટે તા. 27 જાન્યુઆરી રેકર્ડ ડેટ જાહેર કરાઈ છે. વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી તા. 4 ફેબ્રુઆરી, 2020ના કે તે પહેલા કરાશે.
આ ત્રિમાસિક ગાળામાં બેઝિક શૅર દીઠ કમાણી રૂા. 4.31 થઈ છે, જે અગાઉના વર્ષે રૂા. 4.18 હતી. આમ શૅર દીઠ કમાણી 3.11 ટકા વધી છે. કામગીરીમાંથી કુલ આવક 2.59 ટકા વધી રૂા. 15,543.2 કરોડ થઈ છે. આમ, ત્રિમાસિક ધોરણે આવક 2.3 ટકા વધી છે.
આઈટી સેવા વિભાગની આવક 209.48 કરોડ ડૉલરની થઈ છે, જે 2.2 ટકાનો વધારો દર્શાવે છે. આઈટી સર્વિસ અૉપરેટિંગ માર્જિન કવાર્ટર માટે 18.4 ટકા થયેલ છે, જે કવાર્ટરમાં 0.3 ટકા વધારો દર્શાવે છે.
કોન્સ્ટન્ટ કરન્સી ટર્મમાં આ કવાર્ટરમાં કંપનીની આઈટી સેવા વિભાગની આવક 1.8 ટકા વધી છે. કંપનીને તેની આઈટી સેવા બિઝનેસમાંથી આવક 209.5 કરોડ ડૉલરથી 213.7 કરોડ ડૉલર થવાની ધારણા છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer