વોર્નર અને ફિન્ચે ટીમ ઇન્ડિયાની સંક્રાંત બગાડી

વોર્નર અને ફિન્ચે ટીમ ઇન્ડિયાની સંક્રાંત બગાડી
અૉસ્ટ્રેલિયન સદીવીરો સામે વિરાટના વીરો ઝાંખા પડ્યા 
સારી શરૂઆત, મિડલમાં ગભરાટ અને અંતે રકાસ 
આશિષ ભીન્ડે તરફથી  
મુંબઈ, તા. 14 : દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો એવી કહેવત ટીમ ઇન્ડિયા માટે મકરસંક્રાંતિના દિવસે પણ સાચી પડી હતી. વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે હાલમાં જ રમાયેલી શ્રેણીઓમાં દમદાર જીત મેળવનાર ટીમ ઇન્ડિયા અૉસ્ટ્રેલિયનો સામે ત્રણ મૅચોની શ્રેણીની પ્રથમ વન-ડેમાં તમામ મોરચે વામણી પુરવાર થઈ હતી. અૉસ્ટ્રેલિયાની મજબૂત બાલિંગ સામે ટીમ ઇન્ડિયાએ ત્રણેય અૉપનર્સને રમાડવાનો નિર્ણય લીધો હતો. જોકે, સારી શરૂઆત બાદ ભારતીય મિડલ અને લૉઅર મિડલ અૉર્ડરની વધુ એક નિષ્ફળતાને કારણે માત્ર 255ના સ્કૉર પર જ વિરાટના વીરો અૉલઆઉટ થઈ ગયા હતા. ભારતે મૂકેલા પડકારને અૉસ્ટ્રેલિયન અૉપાનિંગ જોડી ડેવિડ વૉર્નર અને સુકાની એરોન ફિન્ચે આસાનીથી પાર કરી લીધો હતો અને ઘરઆંગણે પંદર વર્ષ બાદ ભારતને દસ વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો. 
80 અને 90ના દાયકામાં વન-ડે મૅચમાં ભારતીય ટીમની જે દશા થતી એનું પુનરાવર્તન અૉસ્ટ્રેલિયા સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં જોવા મળ્યું હતું. સારી શરૂઆત, મિડલમાં ગભરાટ અને છેલ્લે રકાસનો ક્રમ વર્ષ 2020ની પહેલી વન-ડેમાં જોવા મળ્યો હતો. ટૉસ જીતીને અૉસ્ટ્રેલિયાએ યજમાનોને બાટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ મૅચના પ્રથમ દડે જ સુંદર કવર ડ્રાઈવ ફટકારી રોહિત શર્માએ વાનખેડેની પીચ અને પોતાના મિજાજ બેઉનો પરિચય આપ્યો હતો અને એ જ અૉવરમાં વધુ એક નયનરમ્ય બાઉન્ડ્રી ફટકારી હતી. પહેલી અૉવરમાં આઠ રન બાદ પાંચમી અૉવરમાં 13 રન પર ટીમ અટકી ગઈ હતી અને બંને છેડે એક-એક વાર રનઆઉટ થતા બચ્યા બાદ રોહિત શર્મા, કમિન્સની બાલિંગમાં મિડ-અૉફ્ફ પર વોર્નરના હાથમાં ઝીલાઈ ગયો હતો. ત્રીજા નંબરે આવેલો રાહુલ, અૉપનર ધવન કરતાં વધુ લયમાં લાગતો હતો, પણ પછી સ્ટાર્કને ઉપરાછાપરી બે ચોગ્ગા ફટકાર્યા બાદ શિખરે પોતાનો ટચ પાછો મેળવ્યો હતો. આ બંનેએ બાવીસ અૉવર સુધી પીચ પર રહી 121 રનની ભાગીદારી નોંધાવી હતી. પહેલી 27 અૉવરમાં ભારતે એક વિકેટના ભોગે 134 રન કર્યા હતા અને એ પછી 23 અૉવરમાં 121 રનમાં નવ વિકેટ ગુમાવી હતી. દાવની 28મી અૉવરમાં રાહુલ અને એ પછીની અૉવરમાં ધવનની વિકેટ પડ્યા બાદ ટીમ ઇન્ડિયાની ગાડી પાટા પરથી ખડી પડી હતી. રાહુલ 47 રન કરી સ્મિથને કૅચ આપી બેઠો હતો, તો ધવન કમિન્સની બાલિંગમાં એગરના હાથમાં ઝીલાઈ ગયો હતો. વિરાટ કોહલી બાટિંગમાં આવતા જ સુકાની ફિન્ચે એડમ ઝામ્પાના હાથમાં બૉલ આપ્યો હતો. ઝામ્પાને એક સુંદર છગ્ગો ફટકાર્યા બાદ બીજા જ દડે કોહલી પણ પેવેલિયન ભેગો થયો હતો અને એ પછીની અૉવરમાં સ્ટાર્કે બાઉન્સરોના મારાથી શ્રેયસ ઐય્યરને પરેશાન કરી વિકેટની પાછળ ઝીલાવી દીધો હતો. આમ, ભારતની અડધી ટીમ તંબુભેગી થઈ ગઈ હતી અને હજી 17 અૉવર રમાવાની બાકી હતી. પંત અને જાડેજાની છેલ્લી વિશ્વાસપાત્ર બાટિંગ જોડી જે ગતિથી આગળ વધી રહી હતી એ તબક્કે ટીમ ઇન્ડિયા 280 રન જેવો સ્કોર કરશે એવી આશા જાગી હતી. મૅચમાં ત્રીજી વાર એવું થયું હતું કે ઉપરાછાપરી બે અૉવરમાં બે વિકેટો પડી અને ભારત પૂરી 50 અૉવર રમશે કે કેમ એ અંગે શંકા જાગી. 44મી અને 45મી અૉવરમાં અનુક્રમે જાડેજા અને પંત આઉટ થયા હતા, આ બંને વચ્ચે 49 રનની પાર્ટનરશિપ થઈ હતી. અંતે ભારતીય ટીમ છેલ્લી અૉવરના પહેલા દડે 255 રન કરી અૉલઆઉટ થઈ ગઈ હતી. સ્ટાર્કે ત્રણ, તો કમિન્સ અને રિચર્ડસને બે-બે વિકેટો ઝડપી હતી.  
બીજા દાવમાં ભારતીય ફિલ્ડરોના ભાગે બાઉન્ડ્રી સુધી બૉલનો પીછો કરવા સિવાય ખાસ કંઈ આવ્યું નહોતું. અૉસ્ટ્રેલિયાના અૉપનરો ડેવિડ વૉર્નર અને એરોન ફિન્ચે 37.3 અૉવરમાં જ ભારતે આપેલા લક્ષ્યાંકને આંબી લીધો હતો. વોર્નરે 112 બૉલમાં 124 રન કર્યા હતા, તો ફિન્ચે 114 બૉલમાં 110 રન કરી ભારત સામે અૉસ્ટ્રેલિયાની શ્રેષ્ઠ અૉપાનિંગ ભાગીદારીનો વિક્રમ કર્યો હતો. 
ભારત પંદર વર્ષ બાદ ઘરઆંગણે દસ વિકેટથી વન-ડે હાર્યું હતું. છેલ્લે 2005માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો દસ વિકેટે નાલેશીભર્યો પરાજય થયો હતો. ભારત અત્યાર સુધી પાંચ વખત દસ વિકેટે હાર્યું છે, પણ ઘરઆંગણે આ બીજી વાર આવી પરિસ્થિતિ આવી છે. તો, વૉર્નર-ફિન્ચની 258 રનની ભાગીદારી ભારત સામે કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી છે. આ બંનેએ 29 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ભારતના ત્રણેય ફાસ્ટ બૉલરની આજે બૂરી વલે થઈ હતી. 
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer