અનાજના ભાવનો અસાધારણ ફુગાવો

વડા પ્રધાનના મૌન સામે કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : કૉંગ્રેસે મંગળવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત અનાજના ભાવના અસાધારણ ફુગાવાનો સામનો કરી રહ્યું છે, પરંતુ વડા પ્રધાન ચૂપ છે.
``ફુગાવો અને બેરોજગારી આજે દેશની પડતીનું કારણ બની રહ્યાં છે.  છૂટક ફુગાવો ટોચ પર છે અને 2013ના સ્તરને પાર કરી ગયો છે. છેલ્લા નવ મહિનામાં દર મહિને ફુગાવો ઝડપથી વધી રહ્યો છે, પરંતુ વડા પ્રધાન ખામોશ છે.'' એમ કૉંગ્રેસના નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી એવી માગણી કરે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ આવીને વિપક્ષોના નેતાઓની એક બેઠક બોલાવવી જોઈએ અને રાંધણગૅસ, શાકભાજી, અનાજ, કઠોળ, મસાલા વગેરેના ભાવ કેવી રીતે નીચે લાવવા જોઈએ તે માટે આગામી 15 કે 30 દિવસની રૂપરેખા તૈયાર કરવી જોઈએ.
``જો ભાવ નહીં ઘટે તો ભારતના પોષણ તેમ જ અન્નના મૂલ્ય એમ બન્ને સામે ગંભીર ખતરો ઊભો થશે. ફુગાવાને નાથવાની વાત કરીને સત્તા પર આવેલા આ એ જ વડા પ્રધાન છે જે અસાધારણ ફુગાવા પ્રત્યે મૌનવ્રત ધારણ કરીને બેઠા છે.'' એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું. ``જુલાઈ, 2019માં ફુગાવો 3.15 ટકા, અૉગસ્ટમાં 3.25 ટકા, સપ્ટેમ્બરમાં 4 ટકા, અૉક્ટોબરમાં 4.62 ટકા, નવેમ્બરમાં 5.54 ટકા, ડિસેમ્બરમાં 7.35 ટકા અને હાલ 8 ટકા છે. શાકભાજીના ભાવમાં 60 ટકાનો અને કઠોળના ભાવમાં 15.5 ટકાનો વધારો થયો છે. માંસ અને માછલીના ભાવ 10 ટકા વધ્યા છે. વડા પ્રધાન ક્યાં છે? એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો.
છૂટક ફુગાવો, અનાજનો ફુગાવો, કઠોળનો ફુગાવો, રાંધણ તેલનો ફુગાવો, ઘઉં અને ચોખાનો ફુગાવો, ખાંડ અને દૂધનો ફુગાવો સામાન્ય માનવીના બજેટને ખાઈ જાય છે એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું.
પોતાના રોજના અનાજના બજેટ પર અને દૈનિક પોષણના બજેટ પર કાપ મૂકનારા લાખો પરિવારો વિષે શું વડા પ્રધાન ચિંતિત છે? એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer