બિકાનેર જમીન સોદા કેસમાં ઇડી દ્વારા પૂછપરછ

વડરાએ કહ્યું ભંડોળનો સ્રોત યાદ નથી, જમીન ગૂગલ મેપ પર જોઈ હતી
નવી દિલ્હી, તા. 14 : કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વડરાએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ને એમ કહ્યું હોવાનું મનાય છે કે, બિકાનેરના બે ગામડાંઓમાં જમીનની ખરીદી માટે વપરાયેલા ``ભંડોળના સ્રોત'' અંગે પોતાને કંઈ યાદ નથી અને આ જમીન માત્ર ``ગૂગલ મેપ'' પર જોઈ હતી. આ જમીનના વેચાણમાંથી વડરાની કંપનીને મોટો ફાયદો થયો હતો.
રાજસ્થાન સરકારે અૉગસ્ટ, 2017માં આ કેસ સીબીઆઈને સોંપ્યા બાદ સીબીઆઈ અને ઇડી બિકાનેર જમીન કૌભાંડની તપાસ ચલાવી રહ્યા છે.
ઇડીના જણાવ્યા પ્રમાણે માત્ર થોડા લાખમાં વડરાની કંપનીએ બિકાનેરના બે ગામોની જમીન કથિતપણે છેતરપિંડી દ્વારા ખરીદી ત્યારે વડરા મેસર્સ સ્કાય લાઈટ હૉસ્પિટાલિટી પ્રા. લિમિટેડના સક્રિય ડિરેકટર હતા.
ઇડીએ એવો આરોપ મૂક્યો હતો કે, ગજનેર અને ગોપાલરી (બિકાનેર) ખાતેની જમીન વડરાની કંપનીએ માત્ર 72 લાખમાં ખરીદી હતી અને તેને 2012માં એલેજેની ફિનલીઝ કંપનીને રૂપિયા પાંચ કરોડ 15 લાખમાં વેચવામાં આવી હતી. આમ રૂપિયા 4.43 કરોડનો ગેરકાયદે નફો કરવામાં આવ્યો હતો.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer