ઝારખંડમાં પરાજય બાદ ભાજપ હવે બાબુલાલ મરાંડીનો સહારો લેવા સક્રિય

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14 : મહારાષ્ટ્ર અને એ પછી તરત ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાથી દૂર થઈ જતાં ભારતીય જનતા પક્ષ હવે રાજ્યમાં રાજકીય સહારો શોધવામાં લાગી ગયો છે. તેને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મરાંડીના રૂપમાં મોટો મજબૂત સહારો દેખાઈ રહ્યો છે. મરાંડી આજથી લગભગ 16 વર્ષ પહેલાં ભાજપમાં મોટા વરિષ્ઠ નેતા હતા. મરાંડીએ ભાજપમાં એટલે કે ઘરવાપસીના નિર્દેશ આપ્યા છે.
ઝારખંડના રાજકારણની ચહલપહલ પર બરાબર નજર રાખનારા જાણકારોનું કહેવું છે કે મરાંડી તેમનો ઝારખંડ વિકાસ મોરચો (જેવીએમ) ભાજપમાં વિલીન કરી શકે છે અને ભાજપ પણ તેમને તેમની જૂની પ્રતિષ્ઠા અને સન્માન આપવા તૈયાર હોવાનું જાણવા મળે છે. આ વખતે વિધાનસભામાં (જેવીએમ) દેખાવ સામાન્ય રહ્યો અને તેના માત્ર ત્રણ વિધાનસભ્યો જ વિજયી થયા હતા. ઉલ્લેખનીય છે કે 2014માં બાબુલાલ મરાંડીની પાર્ટીના 8 વિધાનસભ્યો જીત્યા હતા. જોકે, ચૂંટણીના થોડા સમય પછી છ વિધાનસભ્યો જેવીએમનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. 2019 લોકસભાની ચૂંટણીમાં મરાંડી મહાગઠબંધનમાં જોડાયા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસની આગેવાની હેઠળનાં ગઠબંધનમાંથી અલગ થઈ ગયા હતા.
આદિવાસીઓની બહુમતી ધરાવતા રાજ્ય ઝારખંડમાં ભાજપના નેતાઓ સાથે અણબનાવ થયા બાદ મરાંડીના સ્થાને અર્જુન મુંડાને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવાયા હતા અને ત્યારથી ભાજપથી તેઓ સખત નારાજ થયા હતા.
2014માં રઘુવર દાસના રૂપમાં બિનઆદિવાસીને મુખ્ય પ્રધાન બનાવાતા રાજ્યના આદિવાસીઓ ઘણા નારાજ થયા હતા અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મુખ્ય પ્રધાન રઘુવર દાસની કાર્યશૈલીથી જૂના કટ્ટર સરયૂ રાય જેવા અનેક નિષ્ઠાવાન ભાજપીઓ પોતાને ઉપેક્ષિત સમજવા લાગ્યા હતા અને રઘુવર દાસ તેમ જ પાર્ટી સંગઠનમાં સંવાદ અને સંપર્કના અભાવથી સંબંધોમાં દૂરી વધવા લાગી હતી અને તેની અસર તાજેતરનાં પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે. અસંતુષ્ટ નેતા ભૂતપૂર્વ પ્રધાન સરયૂ રાયએ રઘુવર દાસને અપક્ષ ઉમેદવારે પડકાર ફેંકયો હતો અને ચૂંટણીમાં તેમને હરાવ્યા હતા.
આ પૂર્વભૂમિકામાં માજી મુખ્ય પ્રધાન અને એક સમયના ભાજપના મુખ્ય નેતા રહેલા બાબુલાલ મરાંડી પર ભાજપ કેન્દ્રીય નેતાગીરીએ નજર દોડાવી અને તેમને જૂની પ્રતિષ્ઠા અને સન્માન આપીને તેમની ઘરવાપસી એટલે કે ભાજપમાં પ્રવેશ લગભગ નિશ્ચિત છે. તેમના માટે ઝારખંડ વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા પદ હજી ખાલી રાખવામાં આવ્યું છે. જે સંભવત: બાબુલાલ મરાંડીને મળી શકે છે. આ સંબંધમાં સત્તાવાર જાહેરાત આવતા સપ્તાહમાં નવી દિલ્હીમાં થવાનો તખતો ગોઠવાઈ રહ્યો છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer