ચૅનલોના દર પર નિયંત્રણ બ્રોડકાસ્ટરોને હાઈ કોર્ટે વચગાળાની રાહત ન આપી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ટીવી ચૅનલોના દર માળખામાં ટેલિકોમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટ્રાઈ)એ કરેલા લેટસ્ટ સુધારાને પડકારતી ટેલિવિઝન બ્રોડકાસ્ટરોની અરજીની મુંબઈ હાઈ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી અને અરજદારોને કોઈપણ જાતની વચગાળાની રાહત આપી નહોતી. નવા દરનું માળખું 15 જાન્યુઆરી સુધી રજૂ કરવાનો ટ્રાઈએ બ્રોડકાસ્ટરોને આદેશ આપ્યો હતો.
આ નવા સુધારામાં ચૅનલના ભાવ પર મર્યાદા મુકવામાં આવી છે. આ નવા દર સામે ટીવી બ્રોડકાસ્ટરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન, ધી ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રૉડયુસર્સ ગિલ્ડ અૉફ ઇન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ અને સૉની પિકસર્સે હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજદારોએ ટ્રાઈની 15 જાન્યુઆરીની મુદતને લંબાવવાની પણ કોર્ટને વિનંતી કરી હતી.
અરજદારોએ એવી દલીલ કરી છે કે નવા દર એકપક્ષી, ગેરવાજબી છે તથા મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે. જોકે ટ્રાઈના કાઉન્સેલે કોર્ટને કહ્યું હતું કે બ્રોડકાસ્ટરોને 15 જાન્યુઆરી સુધી દરનું માળખું આપવાની જ સુચના અપાઈ છે. 
તેમણે કહ્યું હતું કે લોકોની અનેક ફરિયાદો બાદ ચૅનલોના દર પર નિયંત્રણો મુકાયા છે. લોકોની એવી ફરિયાદ છે કે ચૅનલોના ભાવ વધુ છે. આ નવા નિયંત્રણો 1 માર્ચ, 2020થી અમલમાં આવશે.
હાઈ કોર્ટે અરજદારોને વચગાળાની કોઈ રાહત આપી નહોતી અને આગામી સુનાવણીની 22 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી હતી. એ ઉપરાંત ટ્રાઈને એનો જવાબ રજૂ કરવા પણ જણાવાયું હતું.
ગયા મહિને ટ્રાઈએ નવા નિયંત્રણો જાહેર કર્યાં હતાં. ફ્રી ચૅનલોની સંખ્યા 100થી વધારી 200ની કરી છે અને આ ફ્રી ચૅનલના દર 130 વત્તા ટૅક્સ રાખ્યો છે. આ ઉપરાંત દરેક ચૅનલના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રાઈએ તમામ બ્રોડકાસ્ટરોને ચૅનલ દીઠ અને બુકે (સમૂહ) ચૅનલના ભાવ 15 જાન્યુઆરી સુધી અમલમાં મુકવા કહ્યું છે. જ્યારે ઓપરેટરોને આ નવા ભાવનો અમલ કરવા 30 જાન્યુઆરી સુધીની મુદત અપાઈ છે.
અરજદારોએ એવી દલીલ કરી હતી કે આ નવા દર નિયંત્રણોને કારણે ટીવી ક્ષેત્રના વિકાસ પર વિપરીત અસર કરવો. આ નવા નિયંત્રણોને લીધે અમને ટીવી ચૅનલો બંધ કરવાની ફરજ પડશે. આવા સંજોગોમાં નવી ચૅનલો શરૂ થશે નહીં અને ટીવી પ્રોડયુસરો નવા-નવા અખતરા કરવાનું ટાળશે. આને લીધે બહુ સીમિત શોનું નિર્માણ થશે. આને લીધે રોજગાર પર પણ વિપરીત અસર પડશે. આ બેરોજગારી બંધારણની જીવન નિર્વાહની 21 કલમનો ભંગ કરે છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer