વાડિયા હૉસ્પિટલમાં ગેરરીતિઓની તપાસનો મુખ્ય પ્રધાનનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વાડિયા હૉસ્પિટલમાંની કથિત ગેરરીતિઓની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે એવી માહિતી મુંબઈના મેયર કિશોરી પેડણેકરે આપી છે. પેડણેકરે જણાવ્યું હતું કે, આ હૉસ્પિટલમાં મોકૂફ રાખવામાં આવેલી તબીબી સેવા ફરી શરૂ કરી શકાય એ માટે 46 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આદેશ પણ મુખ્ય પ્રધાને આપ્યો છે. વાડિયા હૉસ્પિટલમાંની કથિત ગેરરીતિની તપાસનો આદેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હૉસ્પિટલને નાણાં ગુરુવારે સાંજ સુધીમાં મળી જશે, એમ પેડણેકરે ઉમેર્યું હતું.
વાડિયા હૉસ્પિટલના ચીફ એક્ઝિક્યુટીવ અૉફિસર મિની બોધનવાલાએ જણાવ્યું હતું કે, અમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે એવી ખાતરી મુખ્ય પ્રધાને આપી છે. અમને નાણાં મળી જાય પછી મોકૂફ રાખવામાં આવેલી બધી તબીબી સેવા શરૂ થઈ જશે.
પાલિકાએ આક્ષેપ કર્યો હતો કે હૉસ્પિટલની જમીન લીઝ ઉપર આપતી વેળાએ નક્કી થયેલી શરતોનું ઉલ્લંઘન કર્યું છે. તે શરતમાં ગરીબ અને મિલ કામદારોના પરિવારોને માટે 50 ટકા બિછાના રાખવાનો સમાવેશ થાય છે. હૉસ્પિટલમાં અન્ય ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. મુખ્ય પ્રધાને યોજેલી બેઠકમાં નસલી વાડિયા પોતે પણ હાજર રહ્યા હતા. પાલિકા તરફથી આજની બેઠકમાં વાડિયા હૉસ્પિટલના ચીફ એક્ઝિક્યુટીવ અૉફિસર ડૉ. મીની બોધનવાલા સહિત કેટલાંક અધિકારીઓ બે જગ્યાએથી પગાર લેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પગાર સહિત બધા નિર્ણય બોર્ડ લે છે. બોર્ડમાં પાલિકાના પ્રતિનિધિઓ પણ છે. ઉપરાંત ડબલ પેન્શન લેનારા પણ દસ કર્મચારીઓ છે, એમ પાલિકાએ ઉમેર્યું હતું.
નોકરી એક, પેન્શન-પગાર બે
નવરોસજી વાડિયા પ્રસુતિગૃહ અને બાઈ જરબાઇ વાડિયા હૉસ્પિટલ એ બન્ને હૉસ્પિટલ મુંબઈ મહાનગરપાલિકાના જ અનુદાનથી ચાલતી હોવા છતાં અહીંના અનેક કર્મચારીઓ બન્ને હૉસ્પિટલમાંથી દર મહિને ઊંચા પગાર લેતા હોવાની આઘાતજનક બાબત બહાર આવી છે. એટલું જ નહીં, મહાપાલિકામાંથી નિવૃત્ત થયા બાદ પાલિકાના પૈસાથી ચાલતી આ હૉસ્પિટલમાં નોકરી મેળવી પાલિકાનું પેન્શન અને હૉસ્પિટલનો પગાર એમ બેવડો લાભ લેતા હતા. હૉસ્પિટલમાં પાલિકાની પરવાનગી લીધા વગર ડૉક્ટર સહિત નર્સ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. હૉસ્પિટલના છ કર્મચારીઓને પ્રસુતિગૃહ અને ચિલ્ડ્રન હૉસ્પિટલ એમ બન્ને હૉસ્પિટલમાંથી પગાર ચૂકવાય છે. 10 પેન્શનર્સને બબ્બે પેન્શન ચૂકવાય છે. મુંબઈ મહાપાલિકામાંથી નિવૃત્ત થયા બાદ નંદા પાટીલ વાડિયા હૉસ્પિટલમાં નોકરી મેળવી. એ પાલિકાનું પેન્શન લેવાની સાથે પાલિકાના અનુદાન પર ચાલતી હૉસ્પિટલનો પગાર પણ લેતી હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer