ગૅંગસ્ટર લાકડાવાલાના સંપર્કમાં રહેનારા પોલીસ અને બીલ્ડરોની પણ તપાસ થશે

મુંબઈ, તા.14 : ગયા અઠવાડિયે પકડાયેલા ગેન્ગસ્ટર એજાઝ લાકડાવાલા સાથે સંપર્ક ધરાવતા પોલીસના બે ખબરીઓ તેમ જ કેટલાક પોલીસ અધિકારીઓ તેમ જ બીલ્ડરો/ડેવલપરો મળી બારેક વ્યક્તિ પર મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વિદેશોમાં નાસતો-ફરતો લાકડાવાલા છેક બાવીસ વર્ષે હાથમાં આવ્યો છે અને હવે ટૂંક સમયમાં એની સામે મ્કોકા અંતર્ગત કેસ અને આરોપનામું મૂકવામાં આવશે. લાકડાવાલા બે દાયકાથી ખંડણી માટે ધાક-ધમકીઓ આપતો રહેતો હતો તેથી તેની સામે મ્કોકા અંતર્ગત કામ ચલાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાકડાવાલા સામે ખંડણીની પચીસથી વધુ ફરિયાદો હોવાથી તેની તપાસ માટે ખાસ ટુકડી નીમવામાં આવશે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે વિદેશમાં રહીને કોઇ સ્થાનિક સાગરિતોની મદદ વગર ખંડણીના ધંધા ન કરી શકે. ગેન્ગસ્ટર રવિ પૂજારીને વિદેશમાં માહિતી પહોંચાડતા કેટલાક લોકો સામે પોલીસે કેસ કરેલા છે. આ રીતે જ લાકડાવાલાના કેસમાં પણ તેના ડઝનેક મળતિયાઓનાં નિવેદનો લેવાય એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવા લોકો કદાચ એવો દાવો કરશે કે તેઓ ભયના માર્યા લાકડાવાલાના સંપર્કમાં હતા.
દરમિયાન પૂછપરછમાં લાકડાવાલાએ કબૂલ્યું હતું કે તેની પાસે બે પાસપોર્ટ છે. નેપાળમાં તૈયાર કરેલો પાસપોર્ટ મુબારક શેખના નામે છે, જ્યારે કેનેડામાં તૈયાર કરાવેલો પાસપોર્ટ અક્ષય ભાટિયાના નામે છે. પોલીસને લાકડાવાલાએ એમ પણ જણાવ્યું છે કે નાગરિકતા મેળવવા માટે તેણે રોમા થાડાણી ઉપરાંત કેનેડામાં રહેતી સુમન સુરેખા ભાટિયા સાથે પણ લગ્ન કર્યા હતા.
તેં નેપાળમાં આશ્રય શા માટે લીધેલો એવા સવાલના જવાબમાં લાકડાવાલાએ પોલીસને જણાવ્યું હતું કે વર્ષ 2004માં છોટા શકીલે બૅંગકોકમાં તેના પર હુમલો કર્યા બાદ મલેશિયા, કેનેડા, કમ્બોડિયા થઇને તે નેપાળ આવ્યો હતો. નેપાળથી પોતાની દીકરી શિફાને મળવામાં સરળતા રહેતી હોવાનો તેણે દાવો કર્યો હતો. શિફા ઉર્ફે સોનિયા શેખ વરસોવાના એક રહેવાસીને પરણી છે. થોડા સમય અગાઉ બાંદરાના એક બીલ્ડર પાસેથી ખંડણીના કેસમાં શિફાની ધરપકડ કરાઇ ત્યારે તેણે પૂછપરછમાં કહ્યું હતું કે તે બિહારમાં કોઇ સાથે સંપર્કમાં છે. આ માહિતીના આધારે પોલીસે બિહારમાંથી જ લાકડાવાલાની ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. હવે પોલીસ લાકડાવાલા પાસેથી એ માહિતી મેળવવા માગે છે કે તે નેપાળથી બિહાર સુધી કેમ પહોંચ્યો હતો અને તેના મદદગાર કોણ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જામીનમુક્ત થયેલી શિફા પર પોલીસની નજર હતી અને તે બિહારમાં લાકડાવાલાને મળવા ગઇ હતી ત્યારે જ પોલીસે બિહાર પોલીસની મદદથી લાકડાવાલાને ઝબ્બે કર્યો હતો. જોકે, તે આસાનીથી પોલીસને શરણે આવી ગયો, એ પોલીસ માટે આશ્ચર્ય છે. તે બરાબર જાણે છે કે બે નકલી પાસપોર્ટ હોય એવી વ્યક્તિને આજીવન કારાવાસની સજા તો થઇ જ શકે. હવે પકડાયેલો આરોપી લાકડાવાલા જ છે એ સાબિત કરવા પોલીસે એનો ડીએનએ ટેસ્ટ કરાવવો પડે એવી શક્યતા છે. પોલીસ હવે લાકડાવાલાની સંપત્તિ તેમ જ સંપર્કો અને સ્થાનિક મળતિયાઓની પણ તપાસ કરશે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer