મરીન ડ્રાઇવ પર કોસ્ટલ રોડનું કામ શરૂ થયું

પ્રોમોનેડ ભૂતકાળ બની જવાનો રહેવાસીઓને ભય
મુંબઈ, તા. 14 : સુપ્રીમ કોર્ટે સ્ટે હટાવી લીધાના લગભગ મહિના બાદ કોસ્ટલ રોડનું કામ શરૂ કરાયું છે તેના કારણે મરીન ડ્રાઇવ કે ક્વીન્સ નેક્લેસમાં કેટલાક ફેરફાર થશે. ખાસ તો ગિરગાંવ ચોપાટીએ સવારે અને સાંજે લોકોને કસરત કે ચાલવા-દોડવા માટે સાડા ચાર કિલોમીટરનો પટ્ટો છે તેમાંથી પ્રોમોનેડ સહિતનો કેટલોક ભાગ બંધ કરાયો છે. 
મરીન ડ્રાઇવના રહેવાસીઓનું કહેવું છે કે રજાના દિવસો અને શનિ-રવિમાં ચોપાટીએ ફરવા હજારો માણસો આવે છે, તેમને જાણકારી મળી રહે એ માટે પાલિકાએ અહીં આ સંબંધી સૂચના આપતાં બોર્ડ મૂકવા જોઇએ. કેમ કે મરીન ડ્રાઇવ રોડ ચોવીસે કલાક ધમધમતો મહત્ત્વનો રોડ છે, સીધો રોડ હોવાથી વાહનો પણ પૂરપાટ દોડતા હોય છે, તેથી રાહદારીઓને તકલીફ ન પડે એ માટે આવી સૂચનાઓ ધરાવતાં બોર્ડ મૂકવા જોઇએ.
પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે પ્રોમોનેડ પર જે કામ કરવાનું છે એ અગાઉ થઇ જવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે ઠપ થઇ ગયું હતું. લગભગ દસ કિલોમીટરનો કોસ્ટલ રોડ બનાવવા માટે 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ અદાજાયો છે. હવે કોસ્ટલ રોડની સમાંતર કેન્ટિલિવર બ્રિજ પર અમે પ્રોમોનેડ બાંધવાના છીએ જે લોકો માટે ખુલ્લા હશે. આના કારણે પ્રોમોનેડ કેટલાંક મીટર સમુદ્ર તરફ ખસેડાશે. આને સમાંતર જ ટનલ બાંધવામાં આવશે જે ચોપાટીની નીચેથી નીકળશે. જોકે, રહેવાસીઓનું કહેવું છે કે કોસ્ટલ રોડની ડિઝાઇનના કારણે મરીન ડ્રાઇવ કે ક્વીન્સ નેકલેસનો નકશો જ ફરી જશે અને તેની સુંદરતા ખરડાઇ શકે છે.
નરીમાન પૉઇન્ટ ચર્ચગેટ રેસિડેન્ટ્સ ઍસોસિયેશનના જણાવ્યા પ્રમાણે માળખાકીય સુવિધાઓ જરૂરી છે, પરંતુ મરીન ડ્રાઇવ અને પ્રોમોનેડ ભૂતકાળ બની જશે. આ સાથે જ દક્ષિણ મુંબઈમાં અન્ય કેટલાંક સ્થળે પણ કોસ્ટલ રોડનું કામ શરૂ કરાયું છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer