પક્ષીઓને જખમી કરતાં નાયલોન - કાચ લગાડેલા માંજાનું વેચાણ ચાલુ

મુંબઈ, તા. 14 : સંક્રાંત હોવા છતાં પતંગના સ્ટોલ અપેક્ષિત પ્રમાણમાં દેખાતા ન હોવા છતાં નાયલોનનો માંજો વેચાય છે. ઉપરાંત ગ્રીન ટ્રિબ્યૂનલે જેના પર પ્રતિબંધ મૂકયો છે એ કાચના પાઉડરવાળો માંજો બજારમાં મળતો હોવાની ફરિયાદ પક્ષીપ્રેમીઓ કરી રહ્યા છે. ગયા વર્ષે બર્ડ હેલ્પલાઈન સંસ્થા દ્વારા ચર્ચગેટથી દહીંસર દરમિયાન માંજામાં ફસાયેલા લગભગ 400 પક્ષીઓને ઉગાર્યા હતા. માત્ર સંક્રાંતના દિવસે જ નહીં, ત્યારબાદ ઝાડની ડાળીઓમાં અટવાયેલા માંજાને કારણે પણ પક્ષીઓ એમાં ફસાય છે.
બર્ડ હેલ્પલાઈનના હર્ષ શાહે જણાવ્યું કે સંક્રાંત અને એ પછીના દિવસોએ પણ પક્ષી ઉગારવા માટે ફોન આવતા હોય છે. આજે પણ સરકાર કાર્યવાહી કરતી ન હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ અને કાચનો ભૂકો લગાડેલો માંજો વેચાય છે. આને માટે મુંબ્રા, ધારાવી જેવા વિસ્તારમાં જ્યાં માંજો બનાવાય છે એવા વિસ્તારમાં કાર્યવાહી થવી જોઈએ, પરંતુ સરકારી સ્તરે કોઈ કાર્યવાહી થતી ન હોવાથી નાનકડી દુકાન સુધી પણ સહજતાથી પહોંચે છે. આપણે ત્યાં કબૂતરની સંખ્યા વધુ હોવાથી મોટાભાગે કબૂતરો માંજામાં અટવાય છે. ઉપરાંત પોપટ, સમડી જેવા પક્ષીઓ પણ માંજામાં અટવાતા હોવાનું તેમણે જણાવ્યું હતું. પોપટ અને સમડી જેવા પક્ષી તો વન્યજીવ હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી થતી નથી. અનેકવાર પક્ષીઓના હાડકાંને ઈજા થાય છે અને એની અસર પક્ષીઓના જીવન પર પડે છે.
પરેલની બાઈ સાકરબાઈ દિનશા પેટીટ હૉસ્પિટલના સેક્રેટરી લેફટનન્ટ કર્નલ ડૉ. જે. સી. ખન્નાએ છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન સંક્રાંત બાદ હૉસ્પિટલમાં દાખલ થનારા પક્ષીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. પતંગ ઉડાડવા સૂતરના માંજાનો ઉપયોગ કરવાનું આહ્વાન તેમણે કર્યું હતું. સમડી, ઘુવડ, પોપટનું જખમી થવાનું પ્રમાણ 30 ટકા જેટલું છે તો 70 ટકા કબૂતર હોવાનું તેમણે જણાવ્યું હતું. માંજાના વિક્રેતાને ત્યાં માંજાની ચકાસણી કરવામાં આવે તો આ પ્રમાણ હજુ ઘટી શકે છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer