શાહીન બાગની મુલાકાતમાં ઐયરે `કાતિલ'' શબ્દ વાપરતા વિવાદ

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકત્વ ધારામાં સુધારનો વિરોધ કરી રહેલાઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે આજે દિલ્હીમાં શાહીન બાગની મુલાકાત લીધી હતી અને આંદોનલકારીઓની ધીરજના વખાણ કર્યાં હતાં. તેમણે સરકાર માટે `કાતિલ' શબ્દ વાપરતા વિવાદ સર્જાયો છે.
દિલ્હી વડી અદાલતે એક મહિનાથી ચાલી રહેલા ધરણાં આંદોલનને કારણે ટ્રાફિકમાં સર્જાતી મુશ્કેલી પ્રત્યે પોલીસને ધ્યાન આપવાની સૂચના આપી તેના કલાકોમાં જ. ઐયરે શાહીન બાગની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસે ધરણાં કરી રહેલા લોકોને હટાવવાની કોશિશ કરી હતી. મણિશંકર ઐયર તેઓને મળ્યાં હતાં અને સંબોધન પણ કર્યું હતું. ઐયરે આંદોલનકારીઓને શક્ય બધી મદદ કરવાની ખાતરી આપી હતી. ઐયરે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે તમને મારા તરફથી જે મદદ જોઈએ તે આપવા હું તૈયાર છું.
ઐયરે પોતાના વક્તવ્યમાં સરકારની ટીકા કરતા તેને `કાતિલ' સાથે સરખાવી હતી. ઐયરે જણાવ્યું હતું કે ``જો ભી કુરબનીયા દેની હો ઉસમેં મેં ભી શામિલ હોને કે લિયે તૈયાર હું. અબ દેખના હૈ કી કિસકા હાથ મજબૂત હૈ હમારા યા ઉસ કાતિલ કા.''
બાદમાં ઐયરે ન્યૂસ ચૅનલને જણાવ્યું હતું કે, હું શાહીન બાગના આંદોલનકારીઓને સમર્થન આપવા અહીં આવ્યો છું. `કાતિલ' શબ્દ વાપરવા બદલ પોતાનો બચાવ કરતાં ઐયરે જણાવ્યું હતું કે મારે જે કહેવાનું હતું તે કહી દીધું છે. તમારા કૅમેરામાં તે રેકોર્ડ થઈ ગયું છે. પોતે મુસ્લિમ વિરોધી નથી એવા સરકારના દાવા વિશે પુછાતા તેમણે કહ્યું હતું કે સરકાર શું કહે છે તમેની મને ચિંતા નથી.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer