હવે જનશતાબ્દી એક્સ્પ્રેસમાં પીરસાઈ ફૂગ લાગેલી વાસી બ્રેડ

મુંબઈ, તા. 14 : છેલ્લા કેટલાક દિવસથી મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ભોજનના કંગાલ દરજજા અંગે રેલવે તંત્રને સતત ફરિયાદો મળતી રહી છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા આ ટ્રેનોમાં ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સોમવારે પણ આવી એક ફરિયાદ સામે આવી હતી, જેમાં પ્રવાસીને ફંગસ લાગેલી વાસી બ્રેડ પીરસવામાં આવી હતી.
ફરિયાદી વિવેકાનંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ ટ્રેન નંબર 12051 જનશતાબ્દી એક્સપ્રેસમાં થાણેથી ચિપલુણ જઈ રહ્યા હતા. ટ્રેનના કેટરર્સ દ્વારા પિરસાતા કોઈપણ ખાદ્ય પદાર્થથી સંતોષ નહીં થતાં તેમણે બ્રેડ કટલેટનો ઓર્ડર આપ્યો હતો. પૅકેટ ખોલતાં જણાયું હતું કે બ્રેડમાં ફંગસ લાગેલી છે. કેટરર્સના મેનેજરને ફરિયાદ કરવા છતાં તે ફરિયાદ સાંભળવા સામે નહીં આવતાં તેમણે આની ફરિયાદ ટ્વીટર પર કરી હતી. અને પછી રેલવેમાં સળવળાટ થયો હતો. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કોન્ટ્રેક્ટ ટર્મિનેશન માટે કારણદર્શક નોટિસ બજાવવામાં આવી છે.
તેજસના કોન્ટ્રેક્ટરને દંડ
કરમાલીથી મુંબઈ આવી રહેલી `તેજસ' એક્સપ્રેસમાં પ્રવાસીઓને વાસી ભોજન પીરસવામાં આવ્યું હતું. ખાધા બાદ 25 પ્રવાસીઓને ઊલટીઓ થવા લાગી હતી. આ કેસ સંબંધમાં આઈઆરસીટીસીએ કોન્ટ્રેક્ટર પર એક લાખ રૂપિયાનો દંડ લગાવીને તપાસ શરૂ કરી હતી.
શતાબ્દીમાં પણ સમસ્યા
આ પહેલાં મુંબઈથી સુરત જતી શતાબ્દી એક્સપ્રેસમાં ભોજન લીધા બાદ 26 મહિલા પ્રવાસીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તેમને સુરતની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે તેમને ફંગસ લાગેલી બ્રેડ પીરસવામાં આવી હતી.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer