પાર્ટીના નામમાંથી `શિવ'' હટાવી ઠાકરેસેના કરીને જુઓ કેટલા સૈનિકો બચે છે : ઉદયનરાજે ભોસલે

શિવાજીના વંશજે ભાજપ સાથે શિવસેનાને સપાટામાં લીધી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : છત્રપતિ શિવાજી મહારાજની તુલના વિશ્વની કોઇ પણ વ્યક્તિ સાથે ન થઇ શકે એમ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના નેતા ઉદયનરાજે ભોસલેએ જણાવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કરતા ભાજપના નેતા જય ભગવાન ગોયલના પુસ્તક `આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી'ની ટીકા કરવા સાથે જ ઉદયનરાજેએ શિવસેનાને પડકાર ફેંકતાં કહ્યું હતું કે શિવસેનાના નામમાંથી (શિવાજી મહારાજનું નામ) `શિવ' હટાવી `ઠાકરેસેના' કરી નાખો. પછી જુઓ તમારી સેનામાં કેટલા સૈનિકો રહે છે.
આ પુસ્તક પર પ્રતિબંધની માગણી સાથે જ શિવસેના તરફથી સંજય રાઉતે કહ્યું હતું કે મોદી સાથે શિવાજીની તુલના અપમાનજનક છે અને શિવાજીના વંશજોએ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ અને ભાજપ સાથે નાતો તોડી નાખવો જોઇએ. ઉદયનરાજેએ આજે આ વાતનો જવાબ આપતા પ્રશ્ન કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું નામ શિવસેના રાખવામાં આવ્યું ત્યારે અમારો સંપર્ક કે મંજૂરી લેવામાં આવી હતી?
રાજ્યમાં એનસીપી અને કૉંગ્રેસ સાથે મળી મહા વિકાસ આઘાડીની સરકાર બનાવનારી શિવસેના સામે આકરો પ્રહાર કરતા ઉદયનરાજેએ કહ્યું હતું કે તમે જવાબ આપોને સરકાર બનાવવા માટે નવી યુતિને `મહા શિવ આઘાડી'નું નામ આપવાની વાતો હતી, તેના બદલે રાતોરાત `મહા વિકાસ આઘાડી' નામ કેમ આપ્યું?
પુસ્તક વિશે ઉદયનરાજેએ કહ્યું હતું કે માત્ર શિવાજી મહારાજ જ `જાણતા રાજા' (પ્રજાનાં સઘળાં સુખ-દુ:ખ જાણનારા રાજા) માત્ર શિવાજી મહારાજ છે. દુનિયાની કોઇ પણ વ્યક્તિને જાણતા રાજા કહેવી એ શિવાજી મહારાજની અવમાનના કહેવાય, કેમ કે શિવાજી મહારાજની તુલના દુનિયાની કોઇ પણ વ્યક્તિ સાથે ન થઇ શકે. રાજકીય વર્તુળોમાં મહારાષ્ટ્રના મજબૂત મરાઠા નેતા અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારને `જાણતા રાજા' કહેવામાં આવે છે, તેથી ઉદયનરાજેએ નામ લીધા વગર પવાર પર આ પ્રહાર કર્યો હોવાનું સ્પષ્ટ છે.
ગુલામગીરીની હદ શિવસેના
નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે, ભારતના રાજા નથી, મોદીની તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરવી એ `ઢોંગ અને ગુલામગીરી'ની હદ કહેવાય, એવી ટીકા શિવસેનાએ ભાજપના નેતા જય ભગવાન ગોયલના પુસ્તક `આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી' વિશે કરી છે.
શિવસેનાના મુખપત્ર `સામના'ના તંત્રીલેખમાં ભાજપના નેતાઓને છત્રપતિ શિવાજી મહારાજ વિશેના પુસ્તકો વાંચવાની સલાહ આપવા સાથે જણાવાયું હતું કે શિવાજી મહારાજ સાથે કરાયેલી તુલના વડા પ્રધાનને પણ નહીં ગમી હોય. રાજ્યની પ્રજામાં આ બુક સામે રોષ છે કેમ કે તેમાં લખાણમાં ઢેંગ અને ગુલામગીરીની હદ પાર કરાઈ છે. મોદી સામે કોઇ રોષ નથી, એવી સ્પષ્ટતા પણ શિવસેનાએ કરી હતી.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer