મેટ્રો-થ્રીનાં 13 સ્ટેશનોનું કામ 100 ટકા પૂરું થયું

મેટ્રો-થ્રીનાં 13 સ્ટેશનોનું કામ 100 ટકા પૂરું થયું
બાકીનાં 13નું મે મહિનામાં પૂરું થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મુંબઈ મેટ્રો-3ના 26 સ્ટેશનોમાંથી 13 સ્ટેશનોનું કામ 100 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. માત્ર 19 મહિનામાં મેટ્રો અૉથોરિટીએ 50 ટકા ભૂગર્ભ કામ પૂરું કર્યું છે. આ રૂટ માટે કુલ 56 કિલોમીટર (અપ અને ડાઈન)નું ભૂગર્ભીકરણ કરવાનું છે. કોલાબા-બાન્દ્રા-સિપ્ઝ-મેટ્રો-3 એ માત્ર મુંબઈની જ નહીં પણ ભારતની સૌથી મોટી સંપૂર્ણ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો છે. અન્ડરગ્રાઉન્ડ ખોદકામ ઉપરાંત બેઝ સ્લેબ, કોનકોર્સ સ્લેબ, કોલમ તેમ જ દિવાલને બાંધવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ છે.
મેટ્રો-3ના જે સ્ટેશનો માટેનું ખોદકામ પૂરું થઈ ગયું છે એમાં કફ પરેડ, વિધાનભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સીએસએમટી, સાયન્સ મ્યુઝિયમ, સિદ્ધિવિનાયક, એમઆઈડીસી, મરોલ નાકા, સહાર રોડ, સીએસએમઆઈએ - ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ અને સિપ્ઝનો સમાવેશ થાય છે.
અન્ય 13 સ્ટેશનોનું કામ યુદ્ધના ધોરણે શરૂ છે અને તે મે મહિનામાં પૂરું કરવાનું લક્ષ્યાંક છે. આ સ્ટેશનોનું 87 ટકા કામ પૂરું થયું છે.
બાકીના સ્ટેશનોમાં કાલબાદેવી, ગિરગામ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, આચાર્ય અત્રે ચોક, વરલી, દાદર, શિતલાદેવી, ધારાવી, બીકેસી, વિદ્યાનગરી અને સાંતાક્રુઝનો સમાવેશ થાય છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer