કુર્લામાં પ્રધાનના ભાઈએ કામદારોની મારપીટ કરી

કુર્લામાં પ્રધાનના ભાઈએ કામદારોની મારપીટ કરી
ભુંડામાં ભૂંડી ગાળો આપી
ભાજપે કામદાર પ્રધાન સામે કાર્યવાહી માગણી કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના કુર્લાના વૅર્ડ ક્રમાંક-170ના નગરસેવક કપ્તાન અબ્દુલ મલ્લિકે કુરેશીનગરમાં કૉન્ટ્રાકટરના મજૂરોની આજે સવારે 11.30 વાગે મારપીટ કરી હતી. તેનો વીડિયો વાઈરલ થતાં ભાજપએ આ મુદ્દે યોગ્ય પગલાં ભરવાની માગણી કરી છે.
કપ્તાન અબ્દુલ મલ્લિક મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના ખાતાનાં પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મુંબઈ એકમના વડા નવાબ મલ્લિકના ભાઈ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આજે મહારાષ્ટ્રના કામદાર ખાતાનાં પ્રધાન દિલીપ વળસે-પાટીલને પત્ર લખીને કપ્તાન અબ્દુલ મલ્લિક વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવાની માગણી કરી છે. તેમણે કામદાર પ્રધાનને આ બનાવનો વીડિયો પણ મોકલ્યો છે.
દિલીપ વળસે-પાટીલ આ પ્રકરણની તપાસ કરે એવી માગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કામદાર પ્રધાને લેબર કમિશનરને આ પ્રકરણની તપાસના આદેશો આપ્યા છે. કપ્તાન મલ્લિકે આજે સવારે કુર્લામાં કુરેશીનગરમાં સાઈટ ઉપર કામ કરતાં કામદારો પાસે જઈ વર્ક ઓર્ડરની માગણી કરી હતી. બાદમાં તેમને ગાળો આપી હતી અને મારપીટ કરી હતી.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer