પ્લાનમાં ફેરફાર કરવા બેતૃતીયાંશ ફ્લૅટ ખરીદનારની મંજૂરી જરૂરી મહારેરા

પ્લાનમાં ફેરફાર કરવા બેતૃતીયાંશ ફ્લૅટ ખરીદનારની મંજૂરી જરૂરી મહારેરા
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ પ્રોજેક્ટના મંજૂર કરાયેલા પ્લાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા અગાઉ બે તૃતીયાંશ ફ્લૅટ ખરીદનારની લેખિત સંમતિ મેળવ્યા બાદ જ પ્લાનમાં સુધારો કરી શકે છે. ઉપરાંત ફ્લૅટ ખરીદનાર સહમતી આપ્યા બાદ તેમનો વિચાર બદલી શકશે નહીં.
સુનીલ વાધવાની વિરુદ્ધ પશ્મીના રિયલ્ટી લિમિટેડના કેસમાં મહારેરાના સભ્ય ભાલચંદ્ર કાપડનિસે આ ચુકાદો આપ્યો હતો. વાધવાનીએ ચાંદીવલીમાં બની રહેલા પશ્મીના લોટસ બિલ્ડિંગમાં સી-701 ફ્લૅટનું બુકિંગ કરાવ્યું હતું. બીલ્ડરે 30 સપ્ટેમ્બર, 2016માં ફ્લૅટનો કબજો આપવાનું વચન આપ્યું હતું. ડેવલપર નિયત સમયમાં ફ્લૅટનો કબજો સોંપવામાં નિષ્ફળ નીવડયા હોવાથી રેરાની ક્લમ 18 હેઠળ વ્યાજ સાથે મૂળ રકમ પાછી મેળવવા અરજી કરી હતી.
સુનાવણી દરમિયાન પશ્મીના રિયલટી વતિ ઉપસ્થિત રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રમેશ પ્રભુએ દલીલ કરી હતી કે, 4 બીએચકેનો પ્લાન વ્યવહારુ ન હોવાથી બે અને ત્રણ બીએચકેના ફ્લૅટ બનાવવાનું નક્કી કરાયું. એ માટે રેરા દ્વારા નિશ્ચિત કરાયા મુજબ બેતૃતીયાંશ ફ્લૅટ ખરીદનારાઓની લેખિત સહમતી પણ લેવાઈ જેમાં વાધવાનીનો પણ સમાવેશ થાય છે. પ્રભુએ દલીલ કરી હતી કે વાધવાનીએ રેરાની ક્લમ 14 (2) હેઠળ નવા પ્લાનને મંજૂરી આપી હતી અને એ પરવાનગી પાછી લઈ શકે નહીં. માટે તેમની અરજી કાઢી નાકવામાં આવે.
પશ્મીના લોટસ પ્રોજેક્ટ પડતો મુકાયાનો અને મહારેરામાં લેક રિવેરા એ અને બી વિંગ તરીકે ફરી રજિસ્ટર કરાવ્યાં હોવાનું તથા એકતા વર્લ્ડને ડેવલપમેન્ટ મૅનેજર તરીકે લેવાયા હોવાનું દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે વાધવાનીએ તેમની ફરિયાદ નોંધાવવા પશ્મીના લોટસના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ ર્ક્યો છે, જ્યારે તેમને લેક રિવેરામાં ફ્લૅટ ફાળવાયો હોવાની ફરિયાદ ધ્યાનમાં લેવા યોગ્ય નથી.
કાપડનિસે નોંધ્યું હતું કે વાધવાનીએ રેરાની ક્લમ 14 (2) હેઠળ બેતૃતીયાંશ ફ્લૅટ નોંધાવનારાઓમાં વાધવાનીએ પણ મંજૂરી આપવાની સાથે વધારાની જગ્યા માટે વીસ લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી કાપડનિસે આદેશ આપ્યો હતો કે વાધવાનીએ ચૂકવેલા 2.70 કરોડ રૂપિયા બે નવા ફ્લૅટ સામે એડજસ્ટ કરવા અને એક મહિનામાં નવા ફ્લૅટના એગ્રીમેન્ટ રજિસ્ટર કરવામાં આવે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer