આર્થિક મંદીથી રોજગારીમાં ઘટાડો યુવાનોમાં આક્રોશ સર્જશે ચિદમ્બરમ

આર્થિક મંદીથી રોજગારીમાં ઘટાડો યુવાનોમાં આક્રોશ સર્જશે ચિદમ્બરમ
નવી દિલ્હી, તા. 14 : ગત નાણાકીય વર્ષ (2018-19)ની સરખામણીએ આ વર્ષે (2019-20) રોજગારીની લગભગ 16 લાખ તક ઘટવાનું અનુમાન છે. એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ ઈકોરેપમાં આ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તે મુજબ અર્થવ્યવસ્થામાં સુસ્તીના કારણે રોજગારને અસર થઈ રહી છે. આસામ, બિહાર, રાજસ્થાન, ઓડિશા અને ઉતર પ્રદેશમાં પૈસા મોકલવા (રેમિટેન્સ)માં ઘટાડો થવાથી ખ્યાલ આવે છે કે કોન્ટ્રાકટવાળા કામ ઘટી રહ્યાં છે. રિપોર્ટ મુજબ 5 વર્ષમાં ઉત્પાદકતા વૃદ્ધિ દર 9.4 ટકાથી 9.9 ટકાની વચ્ચે રહ્યો. આ વર્ષે ઈક્રિમેન્ટ પણ ઓછું થવાની શકયતા છે. 
પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે જો આજ રીતે બેરોજગારી વધતી રહી અને સેલેરી ઘટતી રહી તો ડર એ વાતનો છે કે યુવાઓ અને વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડકશે. દેશ પહેલેથી જ સીએએ અને એનપીઆરના વિરોધમાં છે. મોંઘવારી વધવાથી અને અર્થવ્યવસ્થા નબળી પડવાથી દેશ માટે મોટો ખતરો સર્જાશે. 
સ્થાયી નોકરીઓમાં પણ 39,000 તક ઘટશે : રિપોર્ટ 
ઈપીએફઓના આંકડા મુજબ 2018-19માં દેશમાં 89.7 લાખ રોજગાર વધ્યા, જોકે 2019-20માં આ આંકડામાં 15.8 લાખનો ઘટાડો થઈ શકે છે. ઈપીએફઓના આંકડામાં 15,000 રૂપિયા સુધીનું વેતન ધરાવનાર કામનો સમાવેશ થાય છે. ઈકોરેપ રિપોર્ટ મુજબ, એપ્રિલથી અૉક્ટોબર 2019 સુધી 43.1 લાખ નવા કર્મચારીઓ જોડાયા. તે આધાર મુજબ નાણાકીય વર્ષ પૂરું થવા સુધી (માર્ચ સુધી) આ આંકડો 73.9 લાખ રહેવાની શકયતા છે. 
ઈપીએફઓના આંકડાઓમાં સરકારી અને પ્રાઈવેટ નોકરીઓનો સમાવેશ થતો નથી, કારણ કે તેની ગણતરી નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં થાય છે. જોકે હાલના ટ્રેન્ડને જોતા એનપીએસ અંતર્ગત આવનાર રોજગારમાં પણ આ વર્ષે 39,000 તકો ઘટવાની શકયતા છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ બેરોજગારી પહેલેથી 45 વર્ષમાં સૌથી વધુ છે. એવામાં રોજગાર ઘટવાથી સરકારની મુશ્કેલીઓમાં વધારો થશે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ મુજબ 2018માં આત્મહત્યા કરનારમાં 12 હજારથી વધુ લોકો બેરોજગારીથી હેરાન હતા. 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેવાળિયા પ્રક્રિયામાં પહોંચેલા કેસોની પતાવટમાં વિલંબ થતો હોવાના પગલે કંપનીઓ કોન્ટ્રાકટવાળા કામમાં ઘટાડો કરી શકે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં બીજાં રાજ્યોમાં જઈને કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. અસમાન વિકાસના કારણે કૃષિ અને ઔદ્યોગિક રીતે ઓછા વિકસિત રાજ્યોના લોકો બીજાં રાજ્યોમાં જાય છે. 
જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, દક્ષિણ મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનના શ્રમિકો પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવે છે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer