નિર્ભયાના બે દોષિતોની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી

નિર્ભયાના બે દોષિતોની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
ચારે દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી અપાશે 
નવી દિલ્હી, તા. 14 : નિર્ભયા ગૅંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ જાહેર થયા બાદ બન્ને આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ અંગે પાંચ જજોની બેન્ચે સુનાવણી કરી હતી. હવે આ કેસના ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે. 
જસ્ટિસ એન. રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે બંન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટિશન પર સુનાવણી કરી હતી. 
અરજીમાં આરોપી વિનય શર્માએ કહ્યું હતું કે, આ કાર્યવાહીના કારણે આરોપીનો આખો પરિવાર હેરાન થયો છે. પરિવારની કોઈ ભૂલ ન હતી, તેમ છતાં તેમને સામાજિક હેરાનગતિ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વકીલ એ.પી. સિંહે કહ્યું કે, આરોપીના માતા પિતા વૃદ્ધ અને ગરીબ છે. આ કેસમાં આ લોકો બરબાદ થઈ ગયા છે. તેમની પાસે કંઈ બચ્યું નથી. 
ચારેય આરોપીઓને જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવશે. ત્રણ આરોપીઓને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે અને એકને જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. નિર્ભયાના કેસમાં ઘટનાના 2578 દિવસ બાદ ડેથ વૉરન્ટ જાહેર થયું હતું. 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાને નરાધમોએ પીંખી નાંખી હતી. 
નિર્ભયાના માતાએ આ નિર્ણય બાદ કહ્યું કે, આજનો દિવસ મારા માટે ખાસ છે. હું સાત વર્ષથી સંઘર્ષ કરી રહી છું, પરંતુ 22 જાન્યુઆરીએ સૌથી ખાસ દિવસ હશે.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer