અભિનેત્રી દ્વારા બે ભારતીય ક્રિકેટરોને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

અભિનેત્રી દ્વારા બે ભારતીય ક્રિકેટરોને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ
મુંબઈ, તા. 15 : બૉલીવૂડની એક અભિનેત્રીની ત્રણ મોટા સટોડિયા સાથેની મુલાકાત શંકાના દાયરામાં આવી છે. મુંબઈ સુધી આવેલી ખબરો અનુસાર આ હીરોઇન છેલ્લા થોડા દિવસમાં અનેકવાર સટોડિયાઓને દુબઈ ખાતે મળી હતી. આ ત્રણે સટોડિયાઓએ આ અભિનેત્રીને અમુક ક્રિકેટરોને હનીટ્રેપમાં લેવાની જવાબદારી સોંપી હતી, જેથી અમુક મેચમાં ફિક્સિંગ કે સ્પોટ ફિક્સિંગ થઈ શકે. આ હીરોઈન અત્યાર સુધીમાં ડઝનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
એક આધારભૂત સૂત્રએ મંગળવારે જણાવ્યું હતું કે આ હીરોઈને બે ભારતીય ક્રિકેટરોનો સંપર્ક કરી તેમની સાથે મિત્રતા વધારવાની પણ કોશિશ કરી હતી. જોકે, બંને ક્રિકેટરોએ ખાસ પ્રતિસાદ આપ્યો નહોતો. સૂત્રનું કહેવું છે કે ક્રિકેટરોએ આ હીરોઇનના બુકી કનેકશનની આશંકા જતાં આમ કર્યું હતું. આ હીરોઈન જે સટોડિયાઓના સંપર્કમાં છે એમાંનો એક મધ્યપ્રદેશના જબલપુરનો છે, તો બીજા બે ગુજરાતના ખંભાતના છે. આ ત્રણેય બુકી ઘણા મહિનાથી દુબઈમાં રહી સટ્ટાનો કારોબાર ચલાવી રહ્યા છે, જેથી ભારતીય તપાસ એજન્સી તેમના સુધી પહોંચી ન શકે.
સૂત્રએ દાવો કર્યો હતો કે ત્રણે સટોડિયાએ હીરોઇનને કહ્યું હતું કે એ આ બંને ભારતીય ક્રિકેટર સાથે અંતરંગ સંબંધ બાંધે, જેથી એની પહોંચ ટીમના ડ્રેસિંગ રૂમ સુધી થઈ શકે. જેથી કોઈ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં થતી વાતચીત અભિનેત્રી દ્વારા ત્રણે સટોડિયા સુધી પહોંચી જાય. હીરોઈને બંને ક્રિકેટર સાથે અનેક મુલાકાતો કરવાની સાથે સેલ્ફી પણ લીધી છે. બુકી સાથે પણ આ હીરોઈને દુબઈમાં ઘણા ફોટા પડાવ્યા છે.
સૂત્રના જણાવ્યા મુજબ આમાંના એક બુકી પર મધ્યપ્રદેશમાં યોજાયેલી ક્રિકેટ મેચ દરમિયાન સેટેલાઈટ સિગ્નલ્સ હેક કરવાનો પણ આરોપ છે. એના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં સ્પષ્ટ લખાયું છે કે એણે કેવી રીતે હેક કરાયેલા સિગ્નલ દ્વારા એવી કોઈ વેબસાઈટ થકી આઈપીએલની એક મેચનું લાઈવ પ્રસારણ કરાવ્યું હતું. આ બુકીની બે ક્લબ દુબઈમાં ચાલી રહી છે, જ્યાં ભારતના મોટા બુકીઓ ભેગા થાય છે. સૂત્રનું કહેવું છે કે કોઈ એક બુકી સાથેની મુલાકાત સંજોગવસાત્ થઈ શકે છે. પરંતુ ત્રણ-ત્રણ સટોડિયા સાથેની હીરોઈનની મુલાકાતના પુરાવાને કારણે હીરોઈન શંકાના દાયરામાં છે.
સટોડિયાઓ સામેના સંબંધને કારણે ઘણા ક્રિકેટર્સ પર પ્રતિબંધ મુકાયા છે. સૌથી તાજો મામલો બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો છે. એના પર 29 અૉક્ટોબર 2019ના આઈસીસીએ પ્રતિબંધ મૂક્યો હતો.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer