ટમેટાં બાદ હવે ઘઉંના લોટ માટે વલખા મારતું પાકિસ્તાન

ઈમરાન ખાન સરકાર પાસે નથી સમસ્યાનું સમાધાન : રાજ્ય સરકારોને જમાખોરી રોકવાનો આદેશ આપ્યો
ઈસ્લામાબાદ, તા. 19: પાકિસ્તાનમાં થોડા સમય પહેલા ટમેટાની ભારે તંગી બાદ હવે નવું સંકટ આવ્યું છે. પાકિસ્તાનમાં હવે ઘઉંના લોટની અછત સર્જાઈ છે અને ઈમરાન સરકારને સમસ્યાનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી. પાકિસ્તાનની અખબારના અહેવાલ પ્રમાણે અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઈમરાન ખાને રાજ્ય સરકારોને ખાદ્ય પદાર્થની વધતી કિંમત અને જમાખોરી ઉપર લગામ કસવા માટે આદેશ આપ્યો છે. 
સમસ્યા વચ્ચે ખૈબર પખ્તૂનખ્વામાં રેસ્ટોરાં અને હોટલ સંચાલકોએ સોમવારે હડતાળનું એલાન કર્યું છે. સંચાલકોના એસોસિયેશનના કહેવા પ્રમાણે સરકાર જૂના ભાવે ઘઉંનો લોટ પૂરો પાડે અથવા તો નાન અને રોટીની કિંમતમાં વધારો કરવાની મંજૂરી આપે. વધુમાં ઈમરાન ખાન સરકારને લોટની કિંમત ઓછી કરવા માટે પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના પ્રાંતો સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે એકબીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. જ્યારે સિંઘ પ્રાંતે તંગી માટે ઈમરાન ખાન સરકારને જવાબદાર ઠેરવી છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer