આદિત્ય ઠાકરેની નાઇટ લાઇફ યોજના વિલંબમાં પડવાની વકી

મુંબઈ, તા. 19 : રાજ્યના પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેનો ડ્રીમ પ્લાન મનાતી નાઇટ લાઇફ યોજના લંબાઈ જવાની શક્યતા છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે એવો સંકેત આપ્યો છે.
નાઇટ લાઇફ અંગેના વિસ્તૃત પ્રસ્તાવ પર બુધવાર, 22 જાન્યુઆરીએ રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રથમ ચર્ચા વિચારણા થશે અને એ પછી યોગ્ય નિર્ણય લેવાશે, એમ દેશમુખે જણાવ્યું હતું.
આદિત્યની યોજના પ્રમાણે 26 જાન્યુઆરીથી આ નિર્ણયનો પ્રાયોગિક ધોરણે અમલ થવાનો હતો. પરંતુ દેશમુખના નિવેદન બાદ હવે આ નિર્ણયનો અમલ થશે કે નહીં એવો પ્રશ્ન ઊભો થયો છે. હાલ પોલીસ પર મોટો બોજો છે. તેઓ 12થી 14 કલાક રોજ ફરજ બજાવે છે. આટલા ઓછા સમયમાં નાઇટ લાઇફ શરૂ કરવા જરૂરી યંત્રણા હજી તૈયાર નથી. નાઇટ લાઇફ શરૂ કરતાં પહેલાં એ માટે વધારાનું પોલીસ બળ છે ખરુ? એની માહિતી લેવી પડશે. એ બાદ એ અંગેનો આખરી નિર્ણય લેવાશે એવું દેશમુખે કહ્યું હતું.
મુંબઈમાં કમર્શિયલ વિસ્તારોમાં થિયેટર, મોલ્સ, રેસ્ટોરાં 24 કલાક ખુલ્લાં રાખવાની યોજના છે. નરિમન પોઇન્ટ, કાલા ઘોડા, બીકેસી, કમલા મિલ વગેરે જયા કમર્શિયલ વિસ્તારોમા નાઇટ લાઇફ શરૂ કરવાની છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer