સીમાએ આતંકવાદની ઢાલ બને છે પાકિસ્તાન

ગુપ્તચર બાતમીમાં ચોંકાવનારો ધડાકો : કૅમેરા, ટાવર મૂક્યાં : ગણતંત્ર પર્વ પૂર્વે ધડાકાનો કારસો
નવી દિલ્હી, તા. 19  : આતંકવાદી લોન્ચપેડ્સને સુરક્ષાનું કવચ પૂરું પાડવાના નાપાક ઈરાદા સાથે પાકિસ્તાનની સેના તેમજ ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા અંકુશરેખા પર હાઈ-ટેક કેમેરા અને સિગ્નલ ટાવર મુકાયાં છે સાથોસાથ ભારતના ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી પહેલાં વધુને વધુ આઈઈડી ધડાકાનું નાપાક કાવતરું રચાઈ રહ્યું છે, તેવી બાતમી ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી છે.પાકનાં પીઠબળથી આતંકવાદીઓ 26મી જાન્યુઆરી પહેલાં અંકુશરેખાએ આવેલાં ભારતનાં ગામો પર નિશાન સાધવાની ફિરાકમાં છે.
ભારતીય સેના આતંકવાદી પ્રવૃત્તિઓનો વળતો જવાબ આપે અથવા તેનાં આતંકી લોન્ચપેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે તેવા સંજોગોમાં પોતાની સિસ્ટમને મજબૂત કરવા પાકે કેમેરા, ટાવર લગાડયા છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલી બાતમી મુજબ અંકુશરેખા પર આઈએસઆઈ અને પાક સેનાએ 18 ટાવર લગાડયા છે.
આ ટાવર લગાડવાની ગતિવિધિ બાદ પાકની સેના અને પીઓકે બ્રિગેડની બેઠક થઈ હતી. જેમાં 26 જાન્યુઆરી પહેલાં અંકુશરેખા પર શક્ય તેટલા વધુ આઈઈડી ધડાકા કરવાનું ફરમાન કરાયું હતું.  આ કામમાં 18કમાન્ડોને લગાડી દેવાયા છે તેવું ભારતીય ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું. એ પહેલાં કોટલીમાં 22?ડિસેમ્બરે થયેલી બેઠકમાં નવા ઉપાયના ઉપયોગની રણનીતિ પાકે બનાવી હતી. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાનુસાર ભારતીય સેના બીજીવાર સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરે તો અગાઉથી ખબર પડી જાય તે માટે પાક નાપાક ગતિવિધિ કરી રહ્યું છે. 

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer