સગર્ભા માટે સૈનિકો ફરી બન્યા મસીહા

કાશ્મીરનાં ગુરેજ ક્ષેત્રમાં ભારે બરફવર્ષા વચ્ચે વધુ એક પ્રસૂતાનો જીવ બચાવ્યો
ગુરેજ, તા. 19 : કાશ્મીરમાં બર્ફીલા તોફાનો વચ્ચે ભારતીય સેનાના જવાનો સ્થાનિક લોકો માટે મસીહા બની રહ્યા છે. જાંબાઝ જવાનોએ રવિવારે પણ એક સગર્ભા મહિલાને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલ પહોંચાડીને જીવ બચાવ્યો હતો.
હકીકતમાં ગુરેજ ક્ષેત્રમાં હિમવર્ષાના કારણે કોઈ વાહન વ્યવહારની સુવિધા ચાલુ નહોતી. જવાનોએ સગર્ભા મહિલાને સિવિલ હોસ્પિટલમાંથી બહાર લાવી, હવાઈ માર્ગે બીજી હોસ્પિટલમાં ખસેડવાનો વ્યાયામ કર્યો હતો. સમયસર હોસ્પિટલે પહોંચાડી દેવાતાં યોગ્ય ઈલાજનાં કારણે સગર્ભાનો જીવ સૈનિકોએ બચાવી લીધો હતો.
અગાઉ બારામુલ્લામાં પણ એક સગર્ભાને બરફવર્ષા વચ્ચે ભારે પીડા ઉપડી હતી, ત્યારે પણ સૈનિકોએ જીવ બચાવ્યો હતો. ડરી ગયેલા પરિવારોને ચિંતામુક્ત કરતાં સીમા સુરક્ષાદળના સૈનિકોએ પોતાના જીવ જોખમમાં નાખીને પ્રસૂતા મહિલા અને બાળકને બચાવ્યા હતા. કુપવાડામાં લાલપોરામાં ભારે બરફવર્ષામાં ફસાયેલા 7પ વર્ષીય ગુલામનબી ગનીને બચાવવા માટે પણ બે કિલોમીટર સુધી બર્ફીલો પંથ કાપીને સૈનિકોએ બુઝુર્ગને બચાવી લીધા હતા.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સેનાએ આપત્તિ વ્યવસ્થાપન ટીમો સાથે મળીને લદ્દાખમાં `ચાદર ટ્રેક' દરમ્યાન ફસાયેલા 107 લોકોના જીવ બચાવ્યા હતા.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer