યમનમાં હૂતી વિદ્રોહીઓનો મસ્જિદ ઉપર હુમલો : 70 સૈનિકોનાં મૃત્યુ

સના, તા. 19 : યમનનાં મારિબ પ્રાંતમાં શનિવારે હૂતી વિદ્રોહી આતંકવાદીઓએ મિસાઇલ અને ડ્રોનથી કરેલા ભયંકર હુમલામાં આશરે 70 જેટલા સૈનિકો મરાયા હતા. મારિબ પ્રાંતની એક મસ્જિદમાં સૈનિકો નમાઝ અદા કરતા હતા ત્યારે આ ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. 
નોંધનીય છે કે 2014થી સાઉદી અરબ સમર્થિત યમનને ઈરાન સમર્થિત હૂતીઓ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઘર્ષણમાં શનિવારે વધુ એક લોહિયાળ ઘટના ઉમેરાઈ હતી. મારિબનાં લશ્કરી કેમ્પમાં સ્થિત મસ્જિદમાં જ હૂતીઓએ મિસાઈલ દાગ્યા હતા અને ડ્રોનથી હુમલો બોલાવી દીધો હતો. આ પ્રાંત સનાથી 170 કિ.મી. પૂર્વમાં સ્થિત છે. યમનના રાષ્ટ્રપતિ આબેદ્રાબ્બુ મંસૂરે આ જઘન્ય હુમલાની નિંદા કરી હતી અને આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. 
હજી સુધી આ હુમલા માટે હૂતીઓ દ્વારા જવાબદારી કબૂલવામાં આવી નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે યમનમાં ચાલતા આ આંતરવિગ્રહમાં હૂતી વિદ્રોહીઓએ રાજધાન સના ઉપર પણ કબ્જો કરી લીધેલો અને પછી મોટાભાગના દેશમાં તેનાં આધિપત્યમાં આવી ગયું હતું. રાષ્ટ્રપતિએ પણ દેશ છોડવો પડેલો અને હવે સાઉદી હાદીનાં સમર્થનમાં છે અને વિદ્રોહીઓ સામે તેની અથડામણો ચાલી રહી છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer