સાંઈબાબાની જન્મભૂમિના અંગેના વિવાદમાં શિરડીએ બંધ પાળ્યો

સાંઈબાબાની જન્મભૂમિના અંગેના વિવાદમાં શિરડીએ બંધ પાળ્યો
સેનાના સાંસદનો ટેકો
મુખ્ય પ્રધાન ઠાકરેએ આજે બેઠક બોલાવી
શિરડી, તા. 19 (પીટીઆઈ): ઓગણીસમી સદીના સંત સાંઈબાબાની જન્મભૂમિ અંગે ઊભા થયેલા વિવાદના પ્રશ્ને આજે શિરડી બંધની હાકલ કરવામાં આવી હતી. જે દરમિયાન દુકાનો અને હૉટેલો બંધ રહી હતી. શાસક શિવસેનાના એક સાંસદે પણ આ બંધને ટેકો આપ્યો હતો.
પરભણી જિલ્લામાં સાંઈ જન્મસ્થાન મનાતા પાથરીને પાત્રાધામ તરીકે વિકસાવવા 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી એ બાદ આ વિવાદ ફાટી નીકળ્યો હતો.
શિરડીના સ્થાનિક લોકો અને નેતાઓ એવી માગણી કરી રહ્યાં છે કે પાથરીને સાંઈબાબાના જન્મસ્થાન ગણવાનું સત્તાવાર નિવેદન ઉદ્ધવ ઠાકરેએ પાછું ખેંચવું જોઇએ.
મુખ્ય પ્રધાન ઠાકરેએ સોમવારે મુંબઈમાં રાજ્યનાં સચિવાલય ખાતે આ પ્રશ્ને બેઠકે બોલાવી છે.
શિરડી બંધની શરૂઆત શનિવારે મધ્યરાતથી થઈ ગઈ હતી. પરંતુ સાંઈબાબાનું મંદિર ખુલ્લું રહ્યું હતું અને ભક્તોને દર્શનની છૂટ આપવામાં આવતી હતી, એમ ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓ અને અહમદનગર જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું.
યાત્રાળુઓને મુશ્કેલી ન પડે એ માટે `પ્રસાદાલય' અને મંદિરનું રસોડું પણ ખુલ્લાં રહ્યાં હતાં. પ્રસાદાલય અને નાસ્તા કેન્દ્ર બહાર ભક્તોની મોટી કતારો દેખાતી હતી. લાડુ વેંચાણ કેન્દ્ર બહાર પણ મોટી કતારો લાગી હતી. શિરડીના શિવસેનાના સાંસદ સદાશિવ લોખંડેએ રવિવારે બંધને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું સાંઈ ભક્ત પ્રથમ અને સાંસદ પછી છું. હું આ વિરોધને ટેકો આપ્યું છું. સાંઈબાબા 16 વર્ષના હતા ત્યારે શિરડી આવ્યાં હતાં. તેમણે પોતાની જાત કે ધર્મ ક્યારે કહ્યા નહોતા. હું આ પ્રશ્ને મુખ્ય પ્રધાન સાથે બાચતીત કરવા તૈયાર છું.
લોખંડેએ એવું કહ્યું હતું કે આ પ્રશ્નનો કેવી રીતે ઉકેલ લાવી બંધ સમેટી લેવામાં આવે એ હું જોઇશ.
વિરોધ વ્યક્ત કરવા કેટલાક સ્થાનિકોએ સવારે મંદિર વિસ્તારમાં રૅલી કાઢી હતી. આ મંદિરના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને ભાજપના કાર્યકર સચીન તાંબે પાટીલે બંધને સફળ ગણાવતા કહ્યું હતું કે વેપારી પેઢીઓ દુકાનો, રેસ્ટોરાં અને સ્થાનિક ટ્રાન્સપૉર્ટ બંધ છે અને શિરડીની આસપાસનાં 25 ગામમાં પણ બંધ પાળવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના સ્થાનિક વિધાન સભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું હતું કે હું બંધને ટેકો આપું છું. સ્થાનિક રહેવાસીઓ અને નેતાઓએ મુખ્ય પ્રધાનની જાહેરાતનો વિરોધ કરતાં કહ્યું છે કે સંત સાંઈબાબાની જન્મભૂમિની કોઈને ખબર નથી અને પાથરી તેમની જન્મભૂમિનો દાવો કરી શકે નહીં. સાંઈબાબાએ તેમનાં આયુષ્યનાં મોટા ભાગનાં વર્ષ શિરડીમાં પસાર કર્યાં હતાં.
શિરડી બંધના કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં દસેક હજારનો ઘટાડો : ભુજબળ
સાંઇબાબાના જન્મસ્થાન સંબંધે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ આજે શિરડીમાં સજ્જડ બંધ રહ્યો હતો અને સાંઇધામ ખુલ્લું હતું પરંતુ બંધના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું. ઠાકરેએ સાંઇબાબાનું જન્મસ્થાન પરભણી જિલ્લાનું પાથરી હોવાનું જણાવ્યાં બાદ આ વિવાદ ઉઠયો હતો અને શિરડી બંધનું એલાન સ્થાનિકોએ આપ્યું હતું. ભુજબળે જણાવ્યું હતું કે આજે શિરડીમાં કેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યાં એ જાણવાનો મેં પ્રયાસ કર્યો તો મને જાણવા મળ્યું કે રોજ કરતા આજે દસેક હજાર દર્શનાર્થીઓ ઓછા હતા. ભુજબળે એમ પણ કહ્યું હતું કે ધર્મસ્થાન ધરાવતા શિરડી માટે બંધ જેવા દેખાવો અયોગ્ય છે.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer