ઉત્તરાખંડનાં રેલવે સ્ટેશનોનાં નામ હવે ઉર્દુને બદલે સંસ્કૃતમાં લખાશે

ઉત્તરાખંડનાં રેલવે સ્ટેશનોનાં નામ હવે ઉર્દુને બદલે સંસ્કૃતમાં લખાશે
ઉત્તરાખંડની અધિકૃત ભાષા સંસ્કૃત હોવાથી ઉર્દુને વિદાય આપવામાં આવશે
દેહરાદૂન, તા.19: ઉત્તરપ્રદેશનાં મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન કરી નાખવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશમાંથી અલગ કરીને બનાવવામાં આવેલાં રાજ્ય ઉત્તરાખંડમાં પણ હવે રેલવે સ્ટેશનમાં એક બદલાવ થવાનો છે. ત્યાં હવે લગાડવામાં આવેલા પાટિયાઓ ઉપરથી ઉર્દૂ ભાષાની વિદાય થશે. રેલવે હવે સ્ટેશનોનાં નામ લખવા માટે ઉર્દૂનાં બદલે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવાની તૈયારી કરે છે. 
પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં સંસ્કૃત અધિકૃત ભાષા છે અને રાજ્યની આ બીજી અધિકૃત ભાષામાં જ હવે રેલવે સ્ટેશનોનાં નામ લખવામાં આવશે. આ પગલું રેલવેની નિયમાવલી અનુસાર ભરવામાં આવી રહ્યું છે. આ અંગે ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે કહ્યું હતું કે, રેલવેના નિયમો અનુસાર પ્લેટફોર્મનાં સાઈન બોર્ડ ઉપર રેલવે સ્ટેશનનાં નામ હિન્દી, અંગ્રેજી અને ત્યારબાદ સંબંધિત રાજ્યની બીજી અધિકૃત ભાષામાં લખાવા જોઈએ.
ઉત્તરાખંડમાં સંસ્કૃત અધિકૃત ભાષા છે અને એટલે જ હવે ત્યાંનાં બોર્ડ ઉર્દૂને બદલે સંસ્કૃતમાં લખવામાં આવશે. જ્યાં સુધી ઉત્તરાખંડ યુપીનો હિસ્સો હતું ત્યાં સુધી અધિકૃત ભાષા તરીકે ઉર્દૂ બરાબર હતી પણ હવે તેનાં નામ સંસ્કૃતમાં લખાશે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer