મેરેથોનમય મુંબઈ

મેરેથોનમય મુંબઈ
તાતા મુંબઈ મેરેથોનની 17મી આવૃત્તિમાં 55,000થી વધુ દોડવીરો દોડયાં
મુંબઈ, તા. 19 : પ્રોકેમ ઈન્ટરનેશનલ પ્રસ્તુત `તાતા મુંબઈ મેરેથોન' (ટીએમએમ)ની 17મી આવૃત્તિમાં 55,322 દોડવીરો #BeBetterના સૂત્રને સાર્થક કરતા દોડયાં હતાં. ફરી એકવાર મુંબઈ મેરેથોનમય બન્યું હતું. એશિયાની લોકપ્રિય મુંબઈ મેરેથોને ભારતને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ આપી છે. 2020માં દોડવીરોની એકંદર સંખ્યામાં 19 ટકાનો વધારો થયો હતો. જ્યારે મહિલા સ્પર્ધકોમાં 35 ટકા વધારો થયો હતો. 
આ વર્ષે ફુલ મેરેથોનની 42.195 કિમીની કૅટેગરીમાં 9,660 દોડવીરો દોડયાં હતાં. જ્યારે હાફ મેરેથોનની 21.097 કિમીની કૅટેગરીમાં 15,260, 5.09 કિમીના ડ્રિમ રન મેરેથોનમાં 19,707, 10 કિમી મેરેથોનમાં 8,032, 4.2 કિમીના સિનિયર સિટિઝન રનમાં 1,022,1.3 કિમીના ચૅમ્યિયન્સ વિથ ડિસએબલિટીમાં 1,596 દોડવીરો અને એલિટ કૅટેગરીમાં 95 મહારથીઓએ ભાગ લીધો હતો. 
મેરેથોનમાં દોડતી વખતે અનેક લોકો ઘાયલ પણ થયાં હતાં. કુલ 17 દોડવીરોને મુંબઈની જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી 14 દોડવીરોને થોડાક સમય પછી હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. મોટા ભાગના કેસ સ્નાયુ ખેંચાવાના, ડિહાઈડ્રેશન અને સામાન્ય ઈજાના હતા. ત્રણ જણને આઈસીયુમાં દાખલ કરવા પડયાં હતાં. 51 વર્ષીય સંજય બાફનાને હાફ મેરેથોન દોડયા બાદ ફિનિશિંગ લાઈન પર બ્રેન સ્ટોક આવતા બોમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે 47 વર્ષીય હિમાંશુ ઠક્કરને હાર્ટ અટૅક આવતા બોમ્બે હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. સિનિયર સિટિઝન રનમાં દોડતા 64 વર્ષીય ગજેન્દ્ર માંજલકરનું હૃદય બંધ પડી જતા હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અમદાવાદના પાંચ મિત્રોની હૅટ્રિક
બલદેવ દેસાઈ, પથિક પટેલ, દિપ વડોદરિયા, નેહલ પટેલ અને દિષિત શાહ આ પાંચેય વર્ષોથી મિત્રો છે અને અમદાવામાં રહે છે. તેઓ મેરેથોનના શોખીન હોવાથી દેશ અને વિદેશમાં થતા વિવિધ મેરેથોનમાં ભાગ લે છે. મુંબઈ મેરેથોનમાં તેમની હૅટ્રિક છે. સતત ત્રીજા વર્ષે હાફ મેરેથોન કૅટેગરીમાં દોડતા આ મિત્રો બે મહિનાથી દોડવાની પ્રેક્ટિસ શરૂ કરે છે અને ટાર્ગેટ પણ સેટ કરે છે. તેમ જ કાયમી ધોરણે દિવસમાં દોઢથી બે કલાક રનિંગ અને સાઇકલિંગ કરે છે. મુંબઈ મેરેથોન સિવાય દિલ્હી, અમદાવાદ, બરોડા અને એમસ્ટરડેમ મેરેથોનમાં પણ ભાગ લીધો છે. 
ઈનોવેટિવ ગ્રુપની ગૃહિણીઓનો જુસ્સો પ્રેરણાદાયક
`ઈનોવેટિવ ગ્રુપ' નામે ઓળખાતી ગૃહિણીઓ મિત્તલ ગાલા, ટિના જૈન અને હિના ગડાએ 2.6 કલાકમાં હાફ મેરેથોન રેસ પુર્ણ કરી હતી. તેઓનું કહેવું છે કે, ગૃહિણીઓ ઘરકામમાં જ વ્યસ્ત રહે તે જરૂરી નથી. તેમને પોતાના માટે પણ સમય ફાળવવો જોઈએ અને તંદુરસ્તી પાછળ ધ્યાન આપવું જોઈએ. ત્રણે મહિલાઓ બાળકો અને ઘર સંસાર સંભાળવાની સાથે પોતાના દોડવાના શોખને પણ જાળવી રાખે છે. દર રવિવારે સવારે પાંચ વાગે ચોપાટી પર પહોચીને દોડવાની તાલીમ લે છે. 
મેહુલ મહેતાએ દોડીને 45 કિલો વજન ઘટાડયું
સિક્કાનગરના રહેવાસી 45 વર્ષીય મેહુલ મહેતાએ આજે મુંબઈ મેરેથોનમાં હાફ મેરેથોન 1.53 કલાકમાં પુર્ણ કર્યું હતું. હાર્ડવેરનો ધંધો કરતા મેહુલ ભાઈનું 10 વર્ષ પહેલા વજન 110 કિલો હતું. વજન ઉતારવા માટે તેમને અનેક ડાયટ પ્લાન ફોલો કરવાના અને ડૉક્ટરોની સલાહ લેવાના સુચનો આપવામાં આવ્યાં હતાં. પણ તેમને આ બધા સુચનો અવગણીને ફક્ત દોડવાની શરૂઆત કરી હતી. દરરોજ દોઢ કલાક જેટલું દોડતા. આમ તેમણે 10 વર્ષમાં 45 કિલો વજન ઓછું કર્યું છે. શાળામાં જેમ પરીક્ષા લેવાય તેમ ફિટનેસ ટેસ્ટરૂપે તેઓ મેરેથોનમાં ભાગ લે છે. અત્યાર સુધી તેઓ 13 મેરેથોનમાં ભાગ લઈ ચુક્યા છે. 
15 વર્ષની ઊંમરથી દોડે છે દિપક ગડા
ચર્નીરોડમાં રહેતા 43 વર્ષીય દિપક ગડાને સ્પોર્ટસ મટીરિયલની દુકાન છે. રમતગમતનો શોખ નાનપણથી જ હતો એટલે 15 વર્ષની ઊંમરમાં દોડવાનું શરૂ કર્યું હતું. હાલમાં દરરોજ બે કલાક રનિંગ અને કસરત માટે ફાળવે છે. 50 જેટલી મેરેથોનમાં ભાગ લઈ ચુક્યા છે. મુંબઈ મેરેથોનમાં સતત પાંચમી વખત હાફ મેરેથોન દોડયાં હતાં અને 2.04 કલાકમાં દોડ પૂરી કરી હતી. 
ડૉ. બીજલ છેડા સાથે પતિ પડછાયો બનીને દોડે છે
ડૉ. બીજલ છેડા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને મસ્ત તેમ જ તંદુરસ્ત જીવનમાં માને છે. તેઓ બે વર્ષથી તાતા મુંબઈ મેરેથોનની હાફ મેરેથોન કેટગરીમાં દોડે છે. તેમના પતિ ડૉ. સચીન છેડા કાર્ડિયાક સર્જ્યન છે. તેઓ મેરેથોનમાં દોડતા નથી. પણ પત્નીનો સાથ આપવા માટે સ્વંયસેવક તરીકે હંમેશા સેવા આપે છે અને પડછાયાની જેમ પડખેને પડખે જ ઊભા રહે છે. 2.02 કલાકમાં હાફ મેરેથોન પુર્ણ કરનાર ડૉ. બીજલનું કહેવું છે કે, કાયમી તંદુરસ્તી માટે યોગ અને કસરત મહત્વના છે. 
ભાંડુપના દેવેન્દ્ર જગતાપે કામ છોડીને ભાગ લીધો 
ભાંડુપમાં રહેતા 43 વર્ષીય દેવેન્દ્ર જગતાપ દુધ, છાપા, ગૅસ સિલિન્ડરની ઘરે ઘરે જઈને ડિલેવરી કરવાનું કામ કરતાં હતાં. પણ તેમનો મુખ્ય રસ રમતગમતમાં હતો. એટલે કામ છોડીને મુંબઈ મેરેથોન માટે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. પણ મેરેથોન દોડવા માટે સ્પોર્ટસ શુઝ ખરીદી શકે તેટલા સશ્રમ નહોતા એટલે વિચાર માંડી વાળ્યો. પણ મહારાષ્ટ્રના રનર ગ્રુપ `મેરેથોન ઈલાઈટ ગ્રુપ' એ તેમને બુટ સ્પૉન્સરર કર્યા અને મેરેથોનમાં ભાગ લેવાનું શક્ય બન્યું. આ વર્ષે હાફ મેરેથોનમાં 1.30 કલાકમાં રેસ પૂરી કરી અને 40 કરતા વધુ ઊંમરની કેટેગરીમાં ત્રીજા સ્થાને આવ્યા. દેવેન્દ્રભાઈ અત્યાર સુધી 17 જેટલી મેરેથોન દોડી ચુક્યા છે અને રાષ્ટ્રીય સ્તરે માસ્ટર ટ્રેક ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. 
દોડવાને લીધે રાહુલ જોષીનું 18 કિલો વજન ઓછું થયું 
વિદ્યાવિહારના રહેવાસી અને ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત 38 વર્ષીય રાહુલ જોષી છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈની વિવિધ મેરેથોનમાં ભાગ લે છે. મુંબઈ મેરેથોનમાં પણ છેલ્લાં ત્રણ વર્ષથી ભાગ લે છે. આ વર્ષે ચાર કલાકમાં 42 કિમીની ફુલ મેરેથોન પુર્ણ કરી હતી. તેમનું કહેવું છે કે, `મેરેથોન ઈઝ અૉલ અબાઉટ મેન્ટલ ચેલેન્જ' માનસિક રીતે તૈયારી હોયને તો પછી હાફ કે ફુલ કોઈપણ મેરેથોન દોડવામાં શરીરનો સાથ મળી જ રહે છે. યુવાનીમાં તંદુરસ્તી માટે એટલી જાગૃતી નહોતી. પણ સમય સાથે શરીરનું મુલ્ય સમજાયું અને દોડવાનું શરૂ કર્યું. 2019માં રનિંગ અને સામાન્ય ડાયટ પ્લાનને અનુસરીને 18 કિલો વજન ઘટાડયું. દોડવાની આદત કાયમ જળવાય એટલે ચેમ્બુરના એક રનિંગ ગ્રુપમાં જોડાયા છે અને અઠવાડિયામાં ચાર દિવસ બે-બે કલાક રનિંગ અને કસરત પાછળ સમય ફાળવે છે. લોનાવાલાની 50 કિમીની અલ્ટ્રા મેરેથોન સહિત વર્ષની સાત મેરેથોન દોડવી એવું 2020નું લક્ષ્ય રાખ્યું છે. તેમ જ દોડવાની પ્રેરણા આપવા માટે જીવનસંગિની અને માતાનો આભાર માને છે. 
મેરેથોનના દિવસે જ નહીં પણ હંમેશા દોડવું જોઈએ
વિલે પાર્લામાં રહેતા હેલ્થ ઍન્ડ વેલનેસ કન્સલટન્ટ ડૉ. ભાવના ડિયોરાનું કહેવું છે કે, મેરેથોનના એક દિવસ પુરતું જ નહીં પણ હંમેશા દોડવાની આદત કેળવવી જરૂરી છે. ફિટ ઍન્ડ ફાઈન રહેવા માટે હંમેશા કસરત કરવી જોઈએ. તેમ જ મેરેથોનમાં દોડતા પહેલા શરૂઆતથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સીધું મેરેથોનમાં દોડવા ન ઉતરી પડાય. કેટલું દોડવા માટે સક્ષમ છીએ તે તપાસીને જ મેરેથોનમાં નામ નોંધાવવું જોઈએ. ભલે હાફ મેરેથોન કે 10 કિમી દોડીએ પણ તે યોગ્ય પદ્ધતિથી દોડવામાં આવે તો સાર્થક છે. 43 વર્ષીય ભાવનાબેન છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈ મેરેથોનમાં દોડે છે. આ વર્ષે તેમણે ફુલ મેરેથોન 4.47 કલાકમાં પુર્ણ કરી હતી. તેઓ મહાલક્ષ્મી રેસકોર્સમાં સ્કેચર્સ પર્ફોમન્સ ઇન્ડિયાના કૅપ્ટન કૉચ છે અને દોડવીરોને મેરેથોન માટે ટ્રેનિંગ આપે છે. 
ઘુંટણની બે વાર અસફળ શત્રક્રિયા બાદ પણ મિનાક્ષી આશર દોડે છે  
ઘાટકોપરના રહેવાસી 63 વર્ષીય મિનાક્ષી આશરના બન્ને પગના ઘુંટણની શત્રક્રિયા કરવામાં આવી છે પણ તે નિષ્ફળ ગઈ છે. છતા તેમનો ઉત્સાહ ઓછો નથી થયો. તેઓ છેલ્લા દસ વર્ષથી મુંબઈ મેરેથોનમાં દોડે છે. 2015માં ઘુંટણની શત્રક્રિયા કરાવી તે પહેલા બે વાર હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. શત્રક્રિયા બાદ ઉત્સાહ થોડો ડગ મગ્યો હતો પણ દીકરી અને સખીના પ્રોત્સાહનથી ફરીથી દોડવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે 1.15 કલાકમાં સિનિયર સિટિઝનની રેસ પુર્ણ કરી હતી. મેરેથોનના જુસ્સાએ ઘુંટણનો દુખાવો ભુલાવી દીધો હતો. 
શાંતિભાઈ ભાયાણીએ મુંબઈ મેરેથોનમાં દાયકો પુર્ણ કર્યો
કાંદિવલીના રહેવાસી 75 વર્ષીય શાંતિભાઈ ભાયાણીએ મુંબઈ મેરેથોનમાં દાયકો પુર્ણ કર્યો છે. છેલ્લા દસ વર્ષથી તેઓ સિનિયર સિટિઝન રનમાં વિવિધ વેશભુષા સાથે ભાગ લે છે. આ વર્ષે તેમણે ભારતના ત્રિરંગા જેવો વેશ પહેર્યો હતો. શૌર્યનું પ્રતિક કેસરી રંગ, સફેદ રંગ દેશમાં શાંતિ માટે અને બ્લ્યુ રંગ પાણીની બચતના પ્રતિક તરીકે વર્ણવ્યો હતો. સાથે ભારત માટેનો પ્રેમ દર્શાવવા ત્રિરંગા વાળો દુપટ્ટો પણ લીધો હતો.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer