ઈમરાન ખાનના રાજમાં બે વખતની રોટી માટે તરસી રહ્યું છે પાકિસ્તાન

ઈમરાન ખાનના રાજમાં બે વખતની રોટી માટે તરસી રહ્યું છે પાકિસ્તાન
ઇસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખૂબ બગડી રહી છે. ઈમરાન ખાનને અર્થવ્યવસ્થાને ટકાવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે. અન્ય ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારા બાદ હવે પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘઉંની આવક ઓછી થતા પૂરા પાકિસ્તાનમાં હવે લોટના ભાવમાં આગ લાગી છે. ઘઉંના લોટના ભાવમાં ભારે વધારા બાદ હવે પીએમ ઈમરાન ખાને જમાખોરીને પહોંચી વળવા માટે કિંમતો ઓથી કરવાનો સખત આદેશ આપ્યો છે. 

કરાચીમાં 5 કિલો લોટના પેકેટનો ભાવ 340થી 350 રૂપિયા અને 10 કિલો માટે લોકોએ 660-670 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. બે દિવસ પહેલા આ ભાવ 310-330 અને 630-640 રૂપિયા હતા. કેટલાક રિટેલર્સ તો 10 કિલોગ્રામ લોટ માટે 680થી 700 રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. 

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્ખાની એક સંસ્થાએ સરકારના આ નિર્ણયના વિરોધમાં સોમવારે હડતાલની જાહેરાત કરી છે. પંજાબ પ્રાંતની કેટલીક અન્ય સંસ્થાઓએ સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો સરકાર તેમને કિંમત વધારવા નહી દે તો તે તત્કાલીન હડતાળ પર જશે. આ સંદર્ભમાં રેસ્ટોરન્ટ સંચાલકોના એશોસિએસને પણ સરકારને જુના ભાવમાં લોટ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. સાથે તેમણે કહ્યું છે કે, જો સરકાર આ નહી કરી શકે તો, તેમને નાન અને રોટીની કિંમતો વધારવાની મંજૂરી આપવામાં આવે. Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer