ડિવિડન્ડ ટૅક્સ રદ થશે?

ડિવિડન્ડ ટૅક્સ રદ થશે?
નવી દિલ્હી, તા. 20 : સરકાર બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (ડીડીટી) કાઢી નાખી અને તેના બદલે ડિવિડન્ડ જેને મળે છે તે શૅરધારકો પર ટૅક્સ લાદે એવી શક્યતા છે. આમ કરવાથી રોકાણકારો માટે અનેકવિધ ટૅક્સ ઓછા થશે અને કંપનીઓ પરના ટૅક્સ દરની અસર ઓછી થશે. આ માટે આવકવેરા ધારાની કલમ 115 (ઓ)માં ફેરફારો કરવાનું જરૂરી બને છે.
કંપનીઓ તેના નફામાંથી જે ડિવિડન્ડ તેના શૅરધારકોને ચૂકવે છે તેના પર ડીડીટી વસૂલાય છે. હાલમાં જ તેમાં ફેરફાર કરી 20.55 ટકા રખાયા છે, જેમાં સરચાર્જ અને શૈક્ષણિક સેસ સમાવિષ્ટ છે. બજેટ કંપનીઓ માટે વારંવાર ઉદ્ભવતી ટૅક્સની સમસ્યાનું સમાધાન કરશે, એમ અગ્રણ્ય નાણાશાત્રીએ કહ્યું હતું.
સરકારનું આ પગલું સીધાવેરાના ઢાંચામાં ફેરફાર માટે તેની પેનલને અનુરૂપ મનાય છે. કેન્દ્રીય સીધાવેરાના બોર્ડના પૂર્વ સભ્ય અખિલેશ રંજનની વડપણ હેઠળની સમિતિએ ડીડીટીને રદ કરવા પણ લાંબાગાળાના ધનલાભ પરનો ટૅક્સ (એલટીસીજી) અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી)ને જાળવી રાખવાનાં સૂચનો કર્યાં હતાં. નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદના શિયાળુ સત્રમાં ડીડીટીને પ્રતિગમન જેવો ઉપાય હોવાનું જણાવ્યું હતું. કંપનીઓ તેના નફામાંથી ડિવિડન્ડની ચુકવણી કરે છે, જેમાંથી ટૅક્સની ચુકવણી થઈ ગયેલી હોય છે. આમ જોઈએ તો ડીડીટી લઈને કંપનીઓ પર ટૅક્સનો બોજ વધતો હોય છે. વિદેશી શૅરધારકો માટે પણ ડીડીટીએચ બોજ સમાન બની ગયું છે. આ જ કારણે તેઓને વિદેશી કર ક્રેડિટ લેવાનું મુશ્કેલ રહ્યું છે. કારણ કે તેઓ સીધેસીધા તેની ચુકવણી કરતા નથી હોતા. સરકાર પ્રત્યેક વર્ષે ડીડીટી થકી રૂા. 60,000 કરોડ વસૂલ કરે છે. જો સરકાર ડિવિડન્ડ પર ટૅક્સ નાખવાની જૂની પદ્ધતિ અપનાવે તો પણ તેની વસૂલાત પર કોઈ ફરક પડશે નહીં.
આમ તો પ્રશાસનિક સુવિધા માટે ડીડીટીની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. આનો હેતુ નફાનું વિસ્તરણ કરતી કંપનીઓ પાસેથી કર વસૂલવાનો હતો, જેથી શૅરધારકો પાસેથી કર વસૂલવાની ઝંઝટમાંથી બચી જવામાં શૅરધારકે ઓછો ટૅક્સ ચૂકવવો પડે છે. કોઈ શૅરધારક જો એક વર્ષમાં રૂા. 10 લાખથી વધુ પામતો હોય તો ડિવિડન્ડ પર 10 ટકાનો `કન્સેશનલ' દર લાગુ થાય છે.
અત્રે યાદ રાખવાનું કે વિદેશી શૅરધારકોને પોતાના દેશમાં ડીડીટીની ક્રેડિટ માટે દાવો કરવા સંઘર્ષ કરવો પડતો હોય છે અને જો તેને વ્યક્તિગત સ્તરે કર ચૂકવવો પડે તો તે કરલાભના દર માટે દાવો કરી શકે છે, એમ વેદાંત ગ્રુપના ટેક્સેશન વિભાગનાં વડા પલ્લવી જોષી- બાખરુએ કહ્યું હતું.
જ્યારે અશોક મહેશ્વરી એન્ડ એલએલપીના મેનેજિંગ પાર્ટનર અમિત મહેશ્વરીએ કહ્યું કે, ઉદ્યોગ લાંબા સમયથી ડીડીટી હટાવી લેવાની માગણી કરી રહ્યો છે. કારણ કે આના લીધે કંપનીઓને ત્રણ વાર કર ચૂકવવો પડે છે. આથી રોકાણકારો પર પણ બોજ વધે તે સ્વાભાવિક છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer