એ દિવસો દૂર નથી કે પ્રેક્ટિસ વિના સીધી મૅચ રમવા ઊતરવું પડે : કોહલી

એ દિવસો દૂર નથી કે પ્રેક્ટિસ વિના સીધી મૅચ રમવા ઊતરવું પડે : કોહલી
`ન્યૂ ઝીલૅન્ડના લોકો બહુ સારા છે, બદલા વિશે વિચારી શકાઈ નહીં'
ઓકલેન્ડ, તા.23: ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમ્યા બાદ  એક સપ્તાહની અંદર ન્યુઝીલેન્ડમાં રમવા પહોંચનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહયું છે કે ક્રિકેટર હવે એ સ્થિતિમાં પહોંચી ગયા છે કે જયારે સીધા સ્ટેડિયમમાં જ પહોંચીને રમવાનું શરૂ કરવું પડશે. વ્યસ્ત કાર્યક્રમ પર કોહલીનું આ બયાન ઘણું કહી જાય છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારે ઓકલેન્ડમાં પહેલો ટી-20 મેચ રમાશે. કોહલીએ આ મેચ પૂર્વે કહયું છે કે અમે હવે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે સીધા સ્ટેડિયમમાં લેન્ડિંગ કરીને રમવાનું શરૂ કરીએ. કાર્યક્રમ એટલો વ્યસ્ત છે, આમ છતાં આટલી લાંબી યાત્રા કરીને અલગ ટાઇમ ઝોન વાળા દેશમાં આવીને તુરત પરિસ્થિતિ અનુસાર ઢળવું આસાન નથી.  મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ ચીજને ધ્યાનમાં રાખવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ હવે એવું છે કે સતત રમવું પડે.
કોહલીએ કહયું કે ન્યુઝીલેન્ડમાં ક્રિકેટરોને બીજા દેશોની જેમ માથા પર બેસાડવામાં આવતા નથી, આથી અહીં રમવું હળવાશભર્યું બની રહેશે. ન્યુઝીલેન્ડ પ્રવાસમાં આ રાહત રહે છે. કિવિ ટીમ પણ દરેક મેચ જીતવાના ઇરાદે ઉતરે છે. અહીં બધું સંતુલિત છે. અહીં રમવું સારું લાગે છે. કિવિ ખેલાડી શાંતચિત અને વ્યાવસાયિક રહે છે. 
ભારતીય સુકાનીએ એમ પણ કહયું કે અમે ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિ ફાઇનલની હારનો બદલો લેવાનું વિચારી રહયા નથી. જો તમે આવું વિચારતા હો તો પણ અહીંના લોકો એટલા સારા છે કે તમે બદલાની ભાવનામાં જઇ શકો નહીં. આ એ ટીમ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુદને સંભાળવાનું ઉદાહરણ આપ્યું છે. તેઓ જયારે વિશ્વ કપના ફાઇનલમાં પહોંચ્યા હતા ત્યારે અમે પણ ખુશ થયા હતા. જયારે તમે હાર મેળવો છે ત્યારે બીજી ચીજો પણ જોવાની રહે છે.
વિલિયમ્સનના સમર્થનમાં ઊતરતો કોહલી
ભારતીય કપ્તાને કિવિ કેપ્ટન કેન વિલિયમ્સનનો બચાવ કરતા કહયું કે ટીમના ખરાબ દેખાવ પર હંમેશા સુકાની પર સવાલ ઉઠે છે, પણ સુકાનીનું આકલન પરિણામોના આધારે ન કરી શકાય. ઓસિ. સામેની 3 મેચની કિવિ ટીમની 3-0થી કારમી હાર બાદ વિલિયમ્સનની કપ્તાની પર સવાલ ઉઠી રહયા છે. તેને હવે ટી-20નું સુકાનીપદ છોડી દેવું જોઇએ તેવું મેકકયૂલે કહયું હતું. આ સામે વિલિયમ્સને કહયું છે કે તે નવા સુકાની માટે પદ છોડવા તૈયાર છે.  જેના પર કોહલીએ કહયું છે કે ઘણીવાર ટીમની અસફળતા પર આલોચકો તુરત જ કેપ્ટન પર હારનું ઠીકરું ફોડી દે છે. મારું માનવું છે કે વિલિયમ્સન તેની ટીમને સારી રીતે એકજૂટ કરી રહયો છે. ટીમ ખરાબ રમે છે ત્યારે તે ટીમની નિષ્ફળતા છે, કેપ્ટન એકલો દોષિ નહીં.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer