આજથી કિવિઝ સામે કસોટી ઓકલૅન્ડમાં પહેલી ટી-20 મૅચની ટક્કર

આજથી કિવિઝ સામે કસોટી ઓકલૅન્ડમાં પહેલી ટી-20 મૅચની ટક્કર
પાંચ મૅચની શ્રેણી ઋષભ પંતનું ભવિષ્ય નક્કી કરશે: બન્ને ટીમની પેસ બેટરી નિર્ણાયક બનશે: મૅચનો પ્રારંભ 12-20થી થશે
ઓકલેન્ડ, તા.23: વન ડે વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મળેલી આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા ફરી વખત આ જ કિવિ ટીમ સામેના મુકાબલા માટે તૈયાર છે. આ વખતે ટી-20ની ટક્કર થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 શ્રેણીનો આવતીકાલ શુક્રવારથી ઓકલેન્ડના ઇડન પાર્કથી પ્રારંભ થશે. મેચની શરૂઆત ભારતીય સમય અનુસાર 12-20થી થશે. ભારતીય ટીમ સામે આ વખતે કિવિઝ ધરતી પર ચુનૌતી આપવાની રહેશે. ટી-20માં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સૌથી ખરાબ છે. આ સિરિઝ દરમિયાન રેકોર્ડ સુધારવા ટીમ ઇન્ડિયા માટે આસાન નહીં બની રહે, કારણ કે કિવિઝ ટીમ તેની કન્ડિશનમાં ઘણી ખતરનાક હોય છે. સ્વિંગ અને સીમને મદદ કરતી ત્યાંની પીચો પર તેના પેસર્સ આગ વરસાવે છે. જો કે ટીમ ઇન્ડિયા માટે રાહતની વાત એ છે કે ઇજાને લીધે ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી કિવિ ટીમમાં સામેલ નથી.
આ ત્રણ મુખ્ય પેસર્સ ન હોવાથી ન્યુઝીલેન્ડની પેસ બેટરી થોડી નબળી પડી છે. કિવિ ટીમમાં હેમિશ બેનેટને સામેલ કરાયો છે. જે છેલ્લે 2017માં રમ્યો હતો. 6 ફૂટ અને 2 ઇંચ ઉંચો બેનેટ ભારત સામે ટી-20માં ડેબ્યુ કરશે. તેને અનુભવી સાઉધીનો સાથ મળશે. આ બે ઉપરાંત બ્લેયર ટિકનર અને સ્કોટ કુગલીનનાં રૂપમાં બે યુવા ઝડપી બોલર હશે. આ તમામ કિવિ ઝડપી બોલરો ભારતીય બેટધરોની કસોટી લઈ શકે છે. 
આ શ્રેણીમાં ભારતને અનુભવી ઓપનર શિખર ધવનની ખોટ પડશે. તે ઇજાને લીધે ફરી ટીમની બહાર થઈ ગયો છે. તેના સ્થાને સંજૂ સેમસનને તક મળી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણીને ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. વિકેટકીપર ઋષભ પંત માટે આ શ્રેણી અગ્નિપરીક્ષા સમાન બની રહેશે, કારણ કે તેના મજબૂત વિકલ્પ રૂપે કેએલ રાહુલ ઉભરી આવ્યો છે. શ્રેણીના એક-બે મેચની નિષ્ફળતાથી પંત ઇલેવનની બહાર થઈ શકે છે. ભારતની બેટિંગનો મુખ્ય આધાર ફરી એકવાર રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુકાની વિરાટ કોહલીના ખંભા પર રહેશે. યુવા શ્રેયસ અય્યર અને મનીષ પાંડે પણ શાનદાર દેખાવનો વિશ્વાસ ધરાવે છે. બોલિંગ મોરચે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી ન્યુઝીલેન્ડની બાઉન્સી વિકેટ પર આગઝરતી બોલિંગ કરવા તૈયાર છે. તેના સાથમાં શાર્દુલ ઠાકુર અથવા તો નવદિપ સૈની હશે. સ્પિનરો કુલદિપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજામાંથી કોઇ બેને ઇલેવનમાં તક મળી શકે છે. બન્ને ટીમની તુલના કરીએ તો પલડું બરાબરી પર લાગી રહ્યંy છે.
હેડ ટૂ હેડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 11 ઇન્ટરનેશનલ ટી-20 મેચ રમાયા છે. જેમાં ભારતને ફકત ત્રણ જીતી જ નસીબ થઈ છે. આ સામે ન્યુઝીલેન્ડે 8 મેચ જીત્યા છે. ન્યુઝીલેન્ડની ધરતી પર બન્ને ટીમ વચ્ચે પાંચ ટી-20 મેચ રમાયા છે. જેમાં ભારતને ચાર હાર સહન કરવી પડી છે અને એક જીત જ મળી છે. જે જીત ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાન પર મળી હતી. જ્યાં આવતીકાલ શુક્રવારે મેચ રમાવાનો છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer