ઇસીબીની બેઠક પૂર્વે સોનામાં સુસ્તી

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ. તા. 23 : યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણાનીતિ પૂર્વે સોનાનો ભાવ ઘટીને 1550 ડોલરની સપાટીએ આવી ગયો હતો. બેંક દ્વારા મોડી સાંજે નાણાનીતિ અંગેની જાહેરાત થવાની હતી. જોકે ચીનમાં વાઇરસના ફેલાવાને લીધે 600 લોકો અસરગ્રસ્ત થયા છે અન 17 લોકોના મોત થયા છે એ કારણે હવે ગમેત્યારે ગ્લોબલ ઇમરજન્સી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાથમિક દ્રષ્ટિએ સાર્સ જેવી બિમારી જણાય છે. જે 2002-3માં ફેલાઇ હતી. હતદત ક્ષદિત સોનામાં અત્યારે કટોકટીની પળોની થોડી ખરીદી છે. ચીનમાં રોગચાળો વધુ ફેલાય અને ડબલ્યુએચઓ ચેતવણી જાહેર કરે તો સોનાને થોડો ટેકો રહેશે. જોકે ચીનમાં નવા વર્ષની માગ અપેક્ષિત રહી નથી એ કારણે તેજી ટકે તો તે ખોખલી હશે તેમ અભ્યાસુઓ માને છે.
એએનઝેડના વિશ્લેષકનું કહેવું છેકે, નીચાં વ્યાજદરો અને નવી ઉદાર નાણાનીતિ વાસ્તવિકતા છે. જો તે જળવાઇ રહે તો સોનાના ભાવમાં નવી ખરીદી આવશે. તેમણે કહ્યું કે, સોનું ફરીથી 21 જાન્યુઆરીની 1545 ડોલરની નીચી સપાટી તોડે તેવી શક્યતા છે. 1564 વટાવે નહીં ત્યાં સુધી તેજી મુશ્કેલ છે.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.100 વધતા રૂા. 40600 અને ચાંદી રૂા. 150 ઘટતા રૂા. 46450 હતી. ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 17.59 ડોલર હતો. મુંબઇમાં રૂા. 53ના ઘટાડે સોનું રૂા. 40023 અને ચાંદી રૂા. 290 ઘટતા રૂા. 45820 હતી.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer