શબઘરનું એસી સિસ્ટમ બગડતાં 22 મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા

થાણે, તા. 23 : થાણે સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી 23 બિનવારસી મૃતદેહ અંતિમવિધિની રાહ જોઈ રહ્યા હતા. બિનવારસી જાહેર થયા બાદ પણ અંતિમવિધિ માટેની પ્રક્રિયા ઝડપથી થતી ન હોવાથી સિવિલ હૉસ્પિટલના મોર્ગમાં ક્ષમતા કરતાં વધુ મૃતદેહ રાખવા પડતા હતા, પરંતુ મંગળવારે મોર્ગનું એસી બંધ પડતાં થાણે અને પાલઘર પોલીસે બાવીસ મૃતદેહોનો કબજો લઈ અંતિમવિધિ કરી હતી.
થાણે સિવિલ હૉસ્પિટલના મોર્ગમાં બાર મૃતદેહો રાખવાની ક્ષમતા છે, પરંતુ અહીં થાણે શહેર, થાણે ગ્રામીણ, પાલઘર અને રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મળી આવેલા બિનવારસી મૃતદેહોને રાખવામાં આવે છે. મૃતકના પરિવારજનોની શોધ પોલીસ કરતી હોય એ સમયગાળા દરમિયાન મૃતદેહને મોર્ગમાં રાખવામાં આવે છે. છેલ્લા છ મહિનાથી બારની ક્ષમતાવાળા મોર્ગમાં 23 મૃતદેહો રાખવામાં આવ્યા હતા. આ મૃતકોના સંબંધીઓ મળતા ન હોવાથી તેમને પોલીસે બિનવારસી જાહેર કર્યા હોવા છતાં અંતિમવિધિની પ્રક્રિયા ઝડપથી થતી ન હોવાથી મૃતદેહો છ મહિનાથી મોર્ગમાં રાખવાની ફરજ પડી હતી. પરંતુ મંગળવારે હૉસ્પિટલની ઍરકન્ડિશન યંત્રણા બંધ પડી હોવાની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનોને કરાતાં બાવીસ મૃતદેહોનો કબજો લઈ તેમનો અંતિમ સંસ્કાર કરાયો હતો.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer