યેવલે ચાના મસાલામાં ટેટ્રાઝિન મળી આવ્યું

પુણે, તા. 23 : ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ તપાસણી માટે કબજામાં લીધેલા યેવલે ચા મસાલાના છૂટા નમૂનામાં કૃત્રિમ રંગ મળી આવ્યો છે, જ્યારે પેકેટમાં રહેલા ચા-મસાલા અને સાકરનો રિપોર્ટ આવવાનો બાકી છે. એ આવ્યા બાદ સંબંધિતો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાશે, એમ એફડીએના જોઈન્ટ કમિશનર સુરેશ દેશમુખે જણાવ્યું હતું.
અન્ન સુરક્ષા અંગેના કાયદા અંતર્ગત એફડીએએ 21 સપ્ટેમ્બર 2019ના યેવલે ફૂડ પ્રોડક્ટસના કોંઢવા સ્થિત ગોડાઉનની તપાસ કરવાની સાથે ત્યાંથી ચાની ભુકી, ચાના મસાલાનાં પેકેટની સાથે છૂટો ચાનો મસાલો, સાકર વગેરેના નમૂના ચકાસણી માટે લીધા હતા. ઉપરાંત ભેળસેળની આશંકાને પગલે પાંચ લાખ રૂપિયાનો અનાજનો જથ્થો પણ જપ્ત ર્ક્યો હતો. જેના નમૂના રાજ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ લેબ ટેકનિશિયને લેબલમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું. એટલે એફડીએએ ચારેય નમૂના ફેરચકાસણી માટે મૈસૂરની લેબોરેટરીમાં મોકલ્યા. એમાંથી ચાનો પાઉડર અને છૂટક ચાના મસાલાનો રિપોર્ટ મળ્યો છે. એમાં ચાની ભુકી સુરક્ષિત હોવાનું જણાયું છે. જ્યારે ચાના મસાલામાં ટેટ્રાઝિન નામનો કૃત્રિમ રંગ મળી આવ્યો હતો. આ મસાલો આરોગ્ય માટે જોખમી હોવાનું લેબોરેટરીએ જણાવ્યું હતું.
બાકીના બે નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ સંબંધિતો પર ફોજદારી કાર્યવાહી કરવા એફડીએના સ્ટેટ કમિશનર સમક્ષ પ્રસ્તાવ મોકલવામાં આવશે. ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ અંગે સંબંધિતો વિરુદ્ધ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે. આ કેસમાં જો ગુનો પુરવાર થાય તો જન્મટીપ કે દસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
એફડીએના જોઈન્ટ કમિશનર સુરેશ દેશમુખે જણાવ્યું કે, કોઈ પણ ખાદ્ય પદાર્થમાં નૈસર્ગિક રંગનો જ ઉપયોગ થઈ શકે છે. મીઠાઈ, આઈસક્રીમ, લાડુ જેવા અમુક ખાદ્યપદાર્થમાં 100 પીપીએમ (પાર્ટ પર મિલિયન) જેટલા કૃત્રિમ રંગનો ઉપયોગ કરવાની છૂટ અપાઈ છે. ચા જેવા રોજબરોજ ઉપયોગમાં લેવાતા પદાર્થમાં કૃત્રિમ રંગનો ઉપયોગ થઈ શકતો નથી.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer