બાળ ઠાકરેના જન્મદિન નિમિત્તે મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 23 : મહારાષ્ટ્રમાં શિવસેનાએ તેના સાથી પક્ષ ભાજપને છોડીને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી છે. ત્યાર પછી આજે શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેની 94મી જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન મોદીએ બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે તેઓ નિડર નેતા હતા અને જનકલ્યાણના મુદ્દા ઉઠાવવામાં ક્યારેય ખચકાયા નહોતા. તેમને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો ઉપર ગર્વ હતો. લોકોને તેમનામાંથી પ્રેરણા મળતી હતી.
અમિત શાહે જણાવ્યું છે કે તેઓ શાનદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. બાળ ઠાકરે તેજસ્વી ભાષણોથી જનતાને મંત્રમુગ્ધ કરતા હતા, તેમણે આદર્શો સાથે ક્યારેય બાંધછોડ કરી નહોતી.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગત અૉક્ટોબરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે લડયા હતા. તેઓને સ્પષ્ટ બહુમતી મળી હતી. જોકે, બાદમાં શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની હઠ પકડી ભાજપ સાથે છેડો ફાડયો હતો. ત્યાર પછી શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ સાથે સરકાર રચી હતી.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer