ડાવોસ ખાતે કાશ્મીર મુદ્દો ઉઠાવનારા ઇમરાન ખાનને ભારતે હતાશ ગણાવ્યા

ડાવોસ ખાતે કાશ્મીર મુદ્દો ઉઠાવનારા ઇમરાન ખાનને ભારતે હતાશ ગણાવ્યા
કાશ્મીર મુદ્દે મદદની ટ્રમ્પની અૉફરને પણ ફગાવી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : ભારતે ``બે અણુશત્રો સજ્જ દેશો'' વચ્ચેના મુકાબલાને અટકાવવા વૈશ્વિક હસ્તક્ષેપની પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની હાકલને અને કાશ્મીરમાં મધ્યસ્થી કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અૉફરને ફગાવી દીધી હતી. ઇમરાન ખાનની ઝાટકણી કાઢતાં ભારતના વિદેશ ખાતાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, પાડોશી દેશે તેની ધરતી પરના આતંકવાદી સંગઠનો સામે ઉચિત કાર્યવાહી કરવાના પ્રયાસો કરવા જોઈએ અને એ તરફથી વિશ્વનું ધ્યાન અન્યત્ર હટાવવાના પ્રયાસો કરવા ન જોઈએ. કાશ્મીર મુદ્દે અન્ય કોઈ ત્રીજા પક્ષકારના હસ્તક્ષેપની જરૂર નથી અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રીતે તેનો ઉકેલ લાવી શકાશે અને તે અંગેની વાટાઘાટો માટે વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પાકિસ્તાનની છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
કાશ્મીર મુદ્દે મદદ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની નવેસર કરાયેલી અૉફરના પ્રતિસાદમાં વિદેશ મંત્રાલયે આ ટિપ્પણી કરી હતી.
કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની ભૂમિકાની જરૂર નથી, એમ બુધવારે ભારતીય વિદેશ ખાતાના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું હતું. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.
આજે પત્રકારો સમક્ષ બોલતાં રવિશકુમારે જણાવ્યું હતું કે, સ્વિત્ઝર્લેન્ડના ડાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પરિષદમાં ઇમરાન ખાને જે કહ્યું તે નવું નથી. તેમનું નિવેદન તેમની હતાશા બતાવે છે અને તેઓ આશા ગુમાવી રહ્યા છે. વૈશ્વિક સમુદાય હવે તેમનાં બેવડાં ધોરણને જોઈ રહ્યું છે. એક તરફ તેઓ આતંકવાદનો ભોગ બનતા હોવાનો ઢોંગ કરે છે અને બીજી તરફ તેઓ પોતાના દેશમાંથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે.
રવિશકુમારે એવો દાવો પણ કર્યો હતો કે, કાશ્મીરમાં ``ગંભીર પરિસ્થિતિ'' ઊભી કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ પણ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. ``કાશ્મીર પરની આવી સ્થિતિ સ્પષ્ટ અને વર્ષોથી એકધારી રહી છે. કેટલાક દ્વિપક્ષીય મુદ્દાઓ છે જેની ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચા થઈ શકે છે. આમાં ત્રીજા પક્ષકારની જરૂર નથી.'' ઇમરાને અન્યત્ર જોવાને બદલે પોતાના દેશની સમસ્યાઓને પહેલાં ઉકેલવી જોઈએ, એમ રવિશકુમારે વધુમાં જણાવ્યું હતું. વિદેશ ખાતાના પ્રવકતાએ એમ પણ જણાવ્યું હતું કે, આવા મુદ્દાઓની ચર્ચા કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ યોગ્ય મંચ નથી.
ડાવોસ ખાતે એક મુલાકાતમાં ઇમરાન ખાનને આંતરરાષ્ટ્રીય મહાસત્તાઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ઘટાડવામાં મદદ કરવાની અપીલ કરી હતી. ઇમરાને એવો પણ દાવો કર્યો હતો કે, ભારત સ્થાનિક સમસ્યાઓથી ધ્યાન અન્યત્ર દોરવા સરહદે તંગદિલી ઊભી કરી શકે છે.
મંગળવારે ઇમરાન ખાન સાથે પત્રકાર પરિષદને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કાશ્મીર સંબંધિત બનાવોને અમેરિકા બારીકાઈથી જોઈ રહ્યું છે. તેમણે આ બાબતમાં મદદ કરવાની પોતાની અૉફર દોહરાવી હતી.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer