મૃત્યુદંડ પામેલા દોષિતો મનફાવે ત્યારે સજાને પડકારી નહીં શકે : સુપ્રીમ કોર્ટ

મૃત્યુદંડ પામેલા દોષિતો મનફાવે ત્યારે સજાને પડકારી નહીં શકે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા. 23 : કાનૂની દાવપેચના કારણે નિર્ભયા ગૅંગરેપના દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબની વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્ત્વની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે મોતની સજાનો અમલ થવો ખૂબ જ મહત્ત્વનો છે. એવો સંદેશો જવો નહીં જોઈએ કે મોતની સજા `ઓપન એન્ડેડ' કેસ છે અને દોષિતો દર વખતે ચુકાદાને પડકારી શકે છે.
બીજી તરફ કેન્દ્ર સરકારે પણ મૃત્યુદંડ અપાયા બાદ દોષિતોને સાત દિવસમાં ફાંસી અપાય એવી માર્ગદર્શિકા ઘડી કાઢવાનો અનુરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં નોંધાવીને વહેલી તકે સુનાવણીની દાદ ચાહી છે.
નિર્ભયા ગૅંગરેપ અને હત્યા કેસના ચાર દોષિતો વારાફરતી અરજી નોંધાવી રહ્યા હોવાથી ફાંસી આપવામાં વિલંબ થઈ રહ્યો છે અને એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે કાયદાની રૂએ આ થવું જોઈએ અને જજોનો સમાજ તથા પીડિતો પ્રત્યે પણ એવું કર્તવ્ય બની રહે છે કે અદાલત ન્યાય કરે.
મોતની સજા પામેલા એક પ્રેમી યુગલની ફેરવિચારણા અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એસ. એ. નઝીર તથા જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ઉપરોક્ત ટિપ્પણ કરી હતી.
આ કેસ ઉત્તર પ્રદેશમાં એક જ પરિવારના સાત જણની 2008માં હત્યા સાથે જોડાયેલો છે. પરિવારની એક યુવતીનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. યુવતીએ તેના પ્રેમીની સાથે મળીને પોતાનાં માતા-પિતા, બે ભાઈ અને ભાભીઓની સાથે 10 મહિનાના ભત્રીજાની પણ હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે 2015માં પ્રેમીપંખીડાંને અપાયેલી મોતની સજાને બહાલી આપી હતી.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer