ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંડળના તમામ પ્રધાનો કરોડપતિ છે

ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંડળના તમામ પ્રધાનો કરોડપતિ છે
મુંબઈ, તા. 23 : મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોમાં વિશ્વજિત કદમ એ સૌથી અમીરની સાથે સૌથી વધુ દેવાદાર પ્રધાન છે. એટલું જ નહીં, પ્રધાનમંડળના લગભગ તમામ પ્રધાનો કરોડપતિ છે. એક સ્વયંસેવી સંસ્થાએ આપેલા અહેવાલમાં રાજ્યના પ્રધાનમંડળ અંગેની જાણકારી ઉપલબ્ધ કરાઈ છે. જોકે, એમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
મહાવિકાસ આઘાડી સરકારના 42 પ્રધાનોમાંથી 41 પ્રધાનો કરોડપતિ છે અને તેમની સરેરાશ વાર્ષિક આવક 21.90 કરોડ રૂપિયા છે. એસોસિયેશન અૉફ ડેમોક્રેટિક રિફોર્મ નામની સ્વયંસેવી સંસ્થાએ આ અહેવાલ તૈયાર ર્ક્યો છે. પ્રધાનોની માલમત્તાની સાથે આ અહેવાલમાં તેમની આર્થિક પરિસ્થિતિની સાથે તેમની ગુનાખોરી અંગેની પણ જાણકારી અપાઈ છે. અહેવાલ મુજબ કૉંગ્રેસના રાજ્ય કક્ષાના પ્રધાન વિશ્વજિત કદમ સૌથી ધનિક પ્રધાન હોવાનું જણાયું છે. કદમે તેમની પાસે 216 કરોડ રૂપિયાની મિલકત હોવાનું જાહેર ર્ક્યું છે. ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે કરેલી એફિડેવિટના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે. જોકે, ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડયા ન હોવાથી તેમની વિગતો ઉપલબ્ધ નથી.
દેવેન્દ્ર ફડણવીસની સરકાર કરતાં 82 ટકા વધુ કરોડપતિ પ્રધાનો હાલની સરકારમાં છે. એમાં વિશ્વજિત કદમ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને રાજેશ ટોપેએ સૌથી વધુ મિલકત જાહેર કરી છે. વિશ્વજિત કદમ પાસે 216 કરોડ રૂપિયા, અજિત પવાર પાસે 75 કરોડ રૂપિયા અને રાજેશ ટોપે પાસે 53 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પહેલી જ વાર વિધાનસભામાં ચૂંટાયેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં રાજ્ય પ્રધાન અદિતિ તટકરે પાસે 39 લાખ રૂપિયાની મિલકત છે. નાયબ મુખ્ય પ્રધાનની વાર્ષિક આવક 3.86 કરોડ રૂપિયા, અમિત દેશમુખની 3.26 કરોડ રૂપિયા અને વિશ્વજિત કદમની વાર્ષિક આવક 2.35 કરોડ રૂપિયા છે. માત્ર 18 પ્રધાનોએ આઠમાંથી બારમા સુધીનો અભ્યાસ ર્ક્યો છે. તો બાવીસ પ્રધાનો ગ્રેજ્યુએટ છે. કુલ પ્રધાનોના 40 ટકા એટલે કે 17 પ્રધાનોની ઉંમર 25થી 50 વર્ષની છે. 25 પ્રધાન (60 ટકા) 51થી 80ની વયના છે. પ્રધાનમંડળમાં માત્ર ત્રણ મહિલા પ્રધાનો છે.
હાલની કેબિનેટમાં 27 (64 ટકા) પ્રધાનો વિરુદ્ધ ગુના નોંધાયા છે. તો 18 (43 ટકા) વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. 2014માં 64 ટકા પ્રધાનો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જાહેર કરાયું હતું. તો 46 ટકા વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer