ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે 450 ઊઠ-બેસ કરાવી

ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે 450 ઊઠ-બેસ કરાવી
અમારા પ્રતિનિધિ તરફથી
મીરા રોડ, તા. 23 : મીરા રોડમાં હોમવર્ક ન કરનાર આઠ વર્ષની વિદ્યાર્થિનીને 450 ઊઠ-બેસ કરાવનાર ખાનગી ટયુશન ટીચર વિરુદ્ધ થાણે પોલીસે ગુરુવારે ગુનો નોંધ્યો હતો. ગયા શુક્રવારે બનેલી આ ઘટના બાદ ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પહેલાં પણ ટીચરે વિદ્યાર્થિનીને કપડાં કાઢીને સોટીથી મારી હોવાની ફરિયાદ તેની માતાએ કરી હતી.  
નયાનગર પોલીસે આપેલી માહિતી મુજબ, મીરા રોડના શાંતિનગરમાં રહેતી વિદ્યાર્થિની ત્રીજા ધોરણમાં ભણે છે. ગયા શુક્રવારે તે ટયુશનમાં હોમવર્ક નહોતી કરી ગઈ એટલે ટીચર લતાએ તેને 450 ઊઠ-બેસ કરવાનું કહ્યું હતું. વિદ્યાર્થિની ઘરે ગઈ ત્યારે તે ચાલી નહોતી શકતી અને તેના પગમાં સોજા આવી ગયા હતા. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 
બીજી માતાએ શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે, 450 ઊઠ-બેસ કરાવવાના બનાવ પહેલાં પણ ગત મહિને ટીચરે હોમવર્ક ન કરવા બદલ સોટીથી માર માર્યો હતો. ત્યારે પણ પગમાં સોજા આવી ગયા હતા. વિદ્યાર્થિનીની માતાએ ટીચરને પ્રશ્નો કર્યા પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહતો. પોલીસે આઈપીસીની ધારા હેઠળ ટીચર વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. 
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer