4 દોષિતો અંતિમ ઈચ્છા જણાવવા અંગે હજી મૂક

4 દોષિતો અંતિમ ઈચ્છા જણાવવા અંગે હજી મૂક
સ્વજનો તરફથીય કંઈ જણાવાયું નથી
જેલ પ્રશાસન ફાંસી પ્રક્રિયામાં વ્યસ્ત, દોષિતોની સુરક્ષા સઘન બનાવાઈ
નવી દિલ્હી, તા. 23 : નિર્ભયા કેસના ચાર દોષિતોને, કોર્ટ દ્વારા જારી ડેથ વોરંટ આદેશાનુસાર આગામી તા.પહેલીએ ફાંસી અપાવાની તારીખ નિશ્ચિત થઈ ચૂકી છે ત્યારે તેઓએ, પોતે કયા સ્વજનને મળવા ઈચ્છે છે કે પોતાની મિલકત કોઈ ચોક્કસ વ્યકિતને આપી જવા ઈચ્છે છે?-તેવા પુછાયેલા પ્રશ્નના તેઓએ કોઈ જવાબ આપ્યા ન હોવાનું તિહાર જેલનાં સૂત્રો જણાવે છે. દોષિતો-મૂકેશસિંહ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તા-આ બેઉ બાબતે મૂક રહ્યા તે બાબત, ફાંસી અપાવા પહેલા વધુ સમય મળે તે માટે આશાવાદી હોવા સૂચવતા હોય તેમ જણાય છે એમ સૂત્રો જણાય છે. કસૂરવાનોએ છેલ્લી ઘડીએ કરેલી અરજીઓ ય ફાંસી નિશ્ચિત કરી દેવામાં જ પરિણમી છે, જે પહેલા બુધવારે અપાવાની હતી પણ પછી લંબાવીને તા.પહેલીએ સવારે છ કલાકે અપાશે. આ દોષિતોને ફાંસી આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં વ્યસ્ત જેલ પ્રશાસને ફાંસી-તારીખ અંગે દોષિતોના સ્વજનોને પત્રથી જાણ કરી છે.
પત્રમાં જણાવાયાનુસાર સ્વજનો દોષિતો સાથે અંતિમ મુલાકાત કરી શકે છે, પરંતુ  જેલ પ્રશાસનને કોઈપણ સ્વજન તરફથી જવાબ મળ્યો નથી.
ગઈ કાલે સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષની અરજીમાં જણાવ્યું હતું કે `ફાંસીસજા અપાયેલા કેસોમાંની માર્ગદર્શિકા બદલવામાં આવે, જેથી દોષિતો કાનૂની વિકલ્પોનો લાભ લઈ ફાંસીસજા વિલંબિત કરતા રહી ન શકે. હાલના નિયમો દોષિતો પ્રતિ ઝુકાવવાળા હોઈ તેઓ કાયદા સાથે ખિલવાડ કરી ફાંસી વિલંબિત કરાવતા રહે છે.' ડેથ વોરંટ પર સહી થઈ ગયા બાદ અરજી નોંધાવવાની મહેતલ અદાલત ઠરાવે તેવી માગણી  સરકારે અરજીમાં કરી હતી.( બુધવારે સવારે 7 કલાકે ફાંસી આપવા આદેશ આપ્યા બાદ એક દોષિતે દયાઅરજી કરી વધુ સમય મેળવ્યો હતો  તેમ જ ગુનો થયો ત્યારે પોતે 18થી ઓછી વયનો હોવાની પવન ગુપ્તાની અરજીમાંનો દાવો નકારી દેવાયો હતો).
તિહાર જેલની એક જ બેરેકમાં પણ અલગઅલગ સેલમાં રખાયેલા દોષિતોના સેલ રોજેરોજ બદલવામાં આવે છે. સેલમાં એવી કોઈ સંરચના તો નથી, જેની મદદથી દોષિત આપઘાતના પ્રયાસને અંજામ આપી શકે તે અંકે કરાયું છે. બહારના સુરક્ષાકર્મીએ દોષિત સાથે કોઈ વાતચીત ન કરવા કડક સૂચના અપાઈ છે અને દોષિતને જો બહાર કાઢવો પડે તેમ હોય તો તેને કાઢતા પહેલાં એ અંકે કરી લેવાય છે કે ત્યાં પૂરતી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ છે. રોજેરોજ સેલમાં સવારસાંજ જતો ચિકિત્સક આ દોષિતોના સ્વાસ્થ્યની જાંચ કરે છે. ડાયટ મુજબ તેઓને ભોજન અપાય છે. કાઉન્સેલીંગ દરમિયાન ચિકિત્સક તેઓને તેમનો વ્યવહાર સામાન્ય રાખવા તાકીદ કરે છે જેથી દિમાગ પર વધુ જોર દેવું ન પડે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer