મનસેએ પહેર્યા હિન્દુવાદી વાઘા

મનસેએ પહેર્યા હિન્દુવાદી વાઘા
રાજ ઠાકરેના દીકરા અમિતે પણ રાજકારણમાં ઝંપલાવ્યું : નવા ધ્વજમાં શિવમુદ્રા વાપરવા બદલ સંભાજી બ્રિગેડે નોંધાવી ફરિયાદ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધિવેશનમાં આજે ભગવો ઝંડો સ્વીકારવાની અને પક્ષપ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને નેતાપદે નીમવાની જાહેરાત થઈ છે. મનસેના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાળા નાંદગાવકરે અમિત ઠાકરેની નેતાપદે નિમણૂક કરાયાની જાહેરાત કરી ત્યારે ઉપસ્થિતિએ હર્ષોલ્લાસ સાથે તેને વધાવી લીધી હતી. પક્ષના વિદ્યાર્થીસેનાના હોદ્દેદારોએ તેમનું તલવાર અને શાલ આપીને સ્વાગત કર્યું હતું.
મનસેના વડા રાજ ઠાકરેએ આજે પક્ષનો ભગવો ઝંડો બહાર પાડીને હિન્દુત્વવાદી વિચારધારા ભણી ઝૂકવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તે ઝંડામાં છત્રપતિ શિવાજીની `રાજમુદ્રા'ની તસવીર છે. ઝંડામાં `રાજમુદ્રા'ના ઉપયોગ વિરુદ્ધ સંભાજી બ્રિગેડે પુણે પોલીસમાં લેખિત ફરિયાદ આપીને મનસે અને તેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ ગુનો દાખલ કરવાની વિનંતી કરી છે.
આજના અધિવેશનમાં રાજ ઠાકરેએ હવે `શેડો કૅબિનેટ' બનાવવાની જાહેરાત કરી છે. તે `મહાવિકાસ આઘાડી'ની સરકારના વિવિધ ખાતાનાં કામકાજ ઉપર નજર રાખશે તેની નબળાઈઓને લોકો સમક્ષ રજૂ કરશે. 
નેતાપદે અમિત ઠાકરેની નિમણૂકની જાહેરાત કરાઈ તે સમયે મંચ ઉપર અમિત ઠાકરેના માતા શર્મિલા ઠાકરે, પત્ની મિતાલી ઠાકરે, બહેન ઉર્વશી અને દાદી કુંદા ઠાકરે ઉપસ્થિત હતાં. અમિત ઠાકરેના નામની ઘોષણા થતાં કાર્યકરોએ હર્ષોલ્લાસ સાથે તેને વધાવી લીધી હતી. શર્મિલા ઠાકરેએ તે સમયે મોબાઈલ વડે અમિતની તસવીર પાડી હતી. તે સમયે તેની પત્ની મિતાલી અને બહેન ઉર્વશી પણ ભાવુક થયાં હતાં. અમિત ઠાકરેએ જણાવ્યુ હતું કે મને નેતાપદે નીમવામાં આવશે એવી જાણ મારા પિતાએ ગઈકાલે સાંજે પાંચ વાગે કરી હતી. તેના લીધે મને ખૂબ ટેન્શન થયું હતું તેથી ગઈકાલે રાત્રે જમ્યો સુધ્ધાં નહોતો અને ઊંઘ પણ આવી નહોતી. આજે જાહેરાત થઈ પછી પણ હું ભાવુક થયો હતો. મારા અને મારા પિતાના ભાષણની તુલના થશે તેની મને જાણ છે. તેથી ભાષણ કરતાં પહેલાં પણ મેં તાણ અનુભવી હતી.
અમિત ઠાકરે હેન્ડસમ હોવાથી યુવાન કાર્યકરોમાં પ્રસિદ્ધ છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તે ખૂબ જ સક્રિય હોય છે. 24મીને 1992ના દિવસે જન્મેલા અમિત ઠાકરેએ ડી.જી. રૂપારેલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે. આમ છતાં અમિત ઠાકરે પિતાની જેમ સારા કાર્ટૂનિસ્ટ છે. તેઓ ફૂટબોલના શોખીન છે. ફૂટબોલના પ્રસિદ્ધ ખેલાડી રોનાલ્ડોને ભારત લાવવામાં અમિત ઠાકરેનો મોટો ફાળો હતો.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer