મેં મારો ભગવો રંગ બદલાવ્યો નથી

મેં મારો ભગવો રંગ બદલાવ્યો નથી
મને ખોટો પાડવાનો પ્રયત્ન કરાયો તેથી મારે વિરોધીઓ સાથે સરકાર રચવી પડી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી મુખ્ય પ્રધાનપદની સમજૂતી અંગે કેટલાક લોકોએ મને તમારી સામે ખોટો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી મારે 25થી 30 વર્ષ સુધી જેનો વિરોધ કર્યો હતો તેની સાથે સરકાર અમે ખુલ્લેઆમ રચી છે. અમે ચોરી કે મારામારી કરી નથી એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાની સરકાર રચાઈ તે બદલ ખુશી વ્યક્ત કરવા બીકેસી ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મેં શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેને વચન આપ્યું હતું કે શિવસૈનિકને મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનાવીશ. તે વચન પૂર્ણ કરવા બદલ આજે યોજાયેલો કાર્યક્રમ એ પ્રથમ પગલું છે. હજી અમે ઘણાં વચન પૂરાં કરવાના છીએ.
ભાજપનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે તેઓએ મને તમારી સામે ખોટો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો ખોટો પડયો હોત તો તમારી સામે મારી શી કિંમત રહી હોત? તમને લાગ્યું હોત કે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનો પુત્ર ખોટું બોલે છે. અમે 25થી 30 વર્ષ જેના વિરોધમાં હતા તેની સાથે સરકાર છડેચોક રચી છે.
મનસેના વડા રાજ ઠાકરેએ કરેલી ટીકાનો ઉત્તર આપતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમારો રંગ હજી પણ ભગવો છે. અમારો અંતરંગ બદલાયો નથી.
છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભાષિક કરવા પગથિયાં ચઢયા ત્યારે બોલ્યા હતા કે આ પગથિયાં એટલે બાજી પ્રભુ, મુરારબાજી અને તાનાજી જેવા સરદારો છે. તે રીતે શિવસેનાની પ્રગતિમાં પણ અનેક લોકોએ ભોગ આપ્યો છે તેઓને હું યાદ કરું છું. અમારો પરિવાર મહારાષ્ટ્રવાસીઓ સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરે એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સત્તા સંભાળ્યાને 100 દિવસ પૂર્ણ કરે ત્યારે તેઓ અયોધ્યાની મુલાકાત લેશે. તેમાં સામેલ થવાનું કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવશે, એમ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer