કોરોના વાઇરસને કારણે પકડાયો નકલી નોટોનો સૂત્રધાર

મુંબઈ, તા. 13 : છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટની બહારના બસસ્ટોપ પાસેથી અંધેરી ક્રાઈમબ્રાન્ચે ત્રણેક દિવસ અગાઉ 23.86 લાખ રૂપિયાની નકલી નોટ સાથે જાવેદ શેખ (36)ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ભૂતકાળમાં એ બૅન્ક ફ્રોડના અનેક કેસોમાં સામેલ હતો અને એ માટે એટીએમ કાર્ડ ક્લોનિંગના સ્કીમર મશીન ખરીદવા ચીન જવાનો હતો, પરંતુ ત્યાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હોવાથી ચીનને બદલે દુબઈની ફ્લાઈટ પકડી દુબઈમાં એને એક વ્યક્તિએ વધુ કમિશન આપવાની લાલચ આપી બે હજારની નકલી નોટો આપી. આ નોટ રવિવારે જપ્ત કરવામાં આવી હતી.
જાવેદને બુધવારે રિમાંડ માટે કિલા કોર્ટ લવાયો હતો. 
જાવેદની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અગાઉ સ્કીમર મશીનો ચીનથી અૉનલાઈન મગાવતા હતા, પરંતુ એટીએમના ફ્રોડ વધવાને કારણે તપાસ એજન્સીઓની સલાહને પગલે બહારથી આવતા મશીનોને રડાર પર રાખવાનું શરૂ કરાયું જેથી મૂળ ગ્રાહક સુધી એ પહોંચે નહીં. એટલે જાવેદે ચીન જવાનો નિર્ણય લીધો હતો. ચીનમાં આ પ્રકારના મશીનો પ્રમાણમાં ઓછી કિંમતે મળે છે. જોકે, કોરોના વાઇરસને કારણે ચીનની યાત્રા રદ કરવી પડી.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer