ટ્રેનમાં પત્ની માટે સીટ માગી તો મોત આપ્યું

છ મહિલા સહિત 12 જણની ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 13 : ગુરુવારે વહેલી સવારે મુંબઈ-લાતુર-બીદર એક્સ્પ્રેસ ટ્રેનમાં સીટની બાબતે ઝઘડો થતાં છ મહિલાઓ સહિત 12 પ્રવાસીઓનાં જૂથે 26 વર્ષના સહપ્રવાસીને જબ્બર મારપીટ કરીને તેનું મોત નીપજાવ્યું હતું, એવી માહિતી ગવર્મેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) આપી હતી.
જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે પુણે અને દૌંડ સ્ટેશનો વચ્ચે આ ઘટના ઘટી હતી.
પ્રવાસીઓનાં જૂથની મારપીટનો ભોગ બનનાર સાગર મારકંડ, તેમનાં પત્ની જ્યોતિ, માતા અને બે વર્ષની પુત્રી પુણેથી રાત્રે 12.45 વાગ્યે આ ટ્રેનના જનરલ ડબામાં ચડયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
સાગરનાં પત્ની જ્યોતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર જનરલ ડબો પ્રવાસીઓથી સંપૂર્ણ ભરેલો હતો અને ખાલી સીટ નહોતી. આથી સાગરે એક મહિલા પ્રવાસીને સીટ પરથી થોડું ખસવા કહ્યું હતું જેથી તેની પત્ની અને બે વર્ષની પુત્રી બેસી શકે, એમ પોલીસે જણાવ્યું હતું.
જોકે, એ મહિલાએ સાગરને અપશબ્દો કહેવાનું શરૂ ર્ક્યું હતું અને એને પગલે બન્ને વચ્ચે ઉગ્ર દલીલબાજી શરૂ થઈ હતી. આથી મહિલાના ગ્રુપની 6 મહિલાઓ સહિત ઓછામાં ઓછા બાર શખસોએ સાગરને ભારે મારપીટ કરવાનું શરૂ ર્ક્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકના પરિવારજનોએ હુમલાખોરોને અટકાવવાનો પ્રયાસ ર્ક્યો હતો પરંતુ તેઓ માન્યા નહોતા અને સાગરની મારપીટ એક કલાક સુધી ચાલુ રાખી હતી. દરમિયાન ટ્રેન દૌંડ પહોંચી હતી. દૌંડ સ્ટેશને પોલીસે સાગરને ઉતારીને હૉસ્પિટલમાં દાખલ ર્ક્યો હતો, પરંતુ તેને ડૉક્ટરોએ મૃત ઘોષિત ર્ક્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતક સાગર અને તેનો પરિવાર કલ્યાણનો રહેવાસી છે અને તેઓ સોલાપુર જિલ્લાનાં કુર્દીવાડી ખાતે તેમનાં એક સંબંધીની અંતિમ ક્રિયામાં જઈ રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની ક્લમ 302 (હત્યા) અને અન્ય ક્લમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer