સરકારે આરોગ્ય રાજ્ય પ્રધાનને કચેરી ફાળવી નહીં

તેથી તેમણે સાંસ્કૃતિક ખાતામાં કરી `ઘૂસણખોરી'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય ખાતાના રાજ્ય પ્રધાન રાજેન્દ્ર પાટીલ યડ્રાવકરને પ્રધાન તરીકે કૅબિન ફાળવવામાં આવી નથી તેથી તેમણે સાંસ્કૃતિક બાબતોના ખાતાની કચેરીમાં ગેરકાનૂની રીતે કબજો જમાવ્યો છે. તેના કારણે સાંસ્કૃતિક બાબતોના ખાતાના ઉપસચિવને હવે સચિવની કૅબિનમાં બેસવાનો વારો આવ્યો છે. આ પ્રકરણને કારણે શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી તેના રાજ્ય કક્ષાના પ્રધાનને કચેરી સુધ્ધાં ફાળવી શકતી નથી એવી ચર્ચાએ વેગ પકડયો છે.
રાજેન્દ્ર પાટીલ-યડ્રાવકરને વિધાનભવનમાં હંગામી કચેરી ફાળવવામાં આવી હતી, પરંતુ અધિવેશનના કારણે તે ખાલી કરવાની નોટિસ મળી હતી. રાજેન્દ્ર પાટીલ યડ્રાવકરે પોતે સાંસ્કૃતિક બાબતોના ખાતાની કચેરીમાં બેસવાનું શરૂ કર્યું હોવાનું કબૂલ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાની પાસે જાહેર આરોગ્ય ખાતાનો કાર્યભાર છે. તેના કામ માટે મળવા આવતા લોકોને અગવડ વેઠવી પડતી હતી. તેનાં કારણે મંત્રાલયની ઈમારતના સાતમા માળે આવેલા સાંસ્કૃતિક બાબતોના ખાતાની કચેરીમાં બેસવાનું શરૂ કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજેન્દ્ર પાટીલ-યડ્રાવકર કોલ્હાપુરમાં શિરોળ વિધાનસભાના વિધાનસભ્ય છે. તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને 90,038 મત મેળવ્યાં હતાં. તેમણે શિવસેનાના વિધાનસભ્ય ઉલ્હાસ પાટીલનો 27,824 મતોની સરસાઈથી પરાભવ કર્યો હતો. જોકે, ચૂંટણીના પરિણામો પછી યડ્રાવકરે શિવસેનાને ટેકો આપ્યો હતો. બાદમાં ઠાકરે સરકારમાં તેમને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer