વૅલેન્ટાઈન ડેને લીધે યુવતીઓ પર અત્યાચાર વધે છે હિન્દુ જનજાગૃતિ સમિતિ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : પાશ્વાત્ય દેશોની જેમ `વેલેન્ટાઈન ડે' ઉજવવાની કુપ્રથા આપણા દેશમાં શરૂ થઈ છે. વેલેન્ટાઈન નામના કોઈ સંત નથી થયા એમ ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ પણ કહે છે. તેના બદલે ભારતમાં `પ્રેમ દિવસ' ઉજવવો જોઈએ.
હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી જણાવવામાં આવ્યું છે કે હિન્દુ સંસ્કૃતિ પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરવાનું શીખવે છે. જ્યારે મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે અને વેલેન્ટાઈન ડે એક દિવસ પ્રેમ કરવાનું શીખવે છે. વિદેશી કંપનીઓ વાણિજ્ય હેતુઓ માટે આ `વેલેન્ટાઈન ડે'ની ઉજવણીને ઉત્તેજન આપે છે. અમેરિકાના અમૂક વિસ્તારો ઉપરાંત ચીન, સ્વીડન, નોર્થ કોરિયામાં તેની ઉજવણી થતી નથી. યુવતીઓ પરના અત્યાચાર માટે કારણભૂત પુરવાર થનારી `વેલેન્ટાઈન ડે'ની ઉજવણીની વિકૃતિ બંધ કરો.
`વૅલેન્ટાઈન ડે' સંકુચિત પ્રેમ શીખવે છે
હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે `વેલેન્ટાઈન ડે' સંકુચિત પ્રેમ શીખવે છે. જ્યારે હિન્દુ ધર્મ `વસુધૈવ કુટુંબકમ'ની ઉદાત ભાવનાનો બોધ આપે છે. 
હિન્દુઓની લગ્ન પરંપરા સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે. કહેવાતા સંત વેલેન્ટાઈનના આસ્તિત્વના પુરાવા નથી. રોમન કેથલિક ચર્ચે રોમન કેલેન્ડરમાંથી વર્ષ 1969માં જ વેલેન્ટાઈન ડે કાઢી નાખ્યો હતો. આ ઉજવણી દ્વારા હિન્દુઓ જાણે એક દિવસ માટે રાષ્ટ્રાંતરણ અને ધર્માંતરણ માટે પ્રોત્સાહન મળે છે. સ્વાતંત્ર્ય પૂર્વેની યુવા પેઢીઓ `વેલેન્ટાઈન ડે' ઉજવતી હોત તો કદાચ આપણને સ્વતંત્રતા મળી નહોત, એમ `સમિતિ'એ ઉમેર્યું હતું.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer