ભાગેડુ વિજય માલ્યા બ્રિટિશ હાઈ કોર્ટમાં રડી પડ્યો

લંડન, તા. 14 : અનેક બૅંકોના પૈસા લઈને લંડન ભાગી ચૂકેલો લિકરાકિંગ વિજય માલ્યા ગુરુવારે બ્રિટિશ હાઈ કોર્ટમાં રડી પડ્યો હતો. માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે ભારતીય બૅંક તાત્કાલિક પૈસા પરત લઈ લે. રૉયલ કોર્ટ અૉફ જસ્ટિસની બહાર માલ્યાએ કહ્યું કે, હું મૂળ 100 ટકા રકમ પાછી આપવા માગું છું. સીબીઆઈ અને ઈડી મારી સાથે જે કરી રહી છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. 64 વર્ષના વિજય માલ્યા પર ભારતની બૅંકો સાથે નવ હજાર કરોડની છેતરાપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે. આ મામલાની તપાસ ઈડી અને સીબીઆઈના હાથમાં છે. 
માલ્યાએ કહ્યું કે, બૅંકોની ફરિયાદ પર હું ચુકવણી નથી કરી રહ્યો, ઈડીએ મારી સંપત્તિઓ જપ્ત કરી લીધી. મેં પીએમએલએ હેઠળ કોઈ અપરાધ નથી કર્યો કે ઈડીએ મારી સંપત્તિઓને જપ્ત કરી લીધી. 
ભારત સરકાર તરફથી રજૂ ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ (સીપેએ)એ માલ્યાના વકીલનો એ દાવો ખોટો ઠેરવ્યો હતો, જેમાં માલ્યાની વિરુદ્ધ ભારતમાં છેતરાપિંડી અને મની લોન્ડરિંગના ચાર્જને અયોગ્ય કહેવામાં આવ્યા હતા.
સુનાવણીમાં પ્રૉસિક્યુશન તરફથી માલ્યાની વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવ્યા અને જણાવ્યું કે તેઓ બૅંકોથી લોન પેટે નવ હજાર કરોડ રૂપિયા ચૂકવવાથી બચવા માટે બ્રિટન આવ્યા છે. 
પ્રૉસિક્યુશને એમ પણ કહ્યું કે માલ્યાની વિરુદ્ધ 32 હજાર પાનાના પુરાવા રજૂ કરવામાં આવી ચૂક્યા છે. ભારતમાં બૅંકોએ તેની વિરુદ્ધ કેસ નોંધ્યા છે, જેમાં સુનાવણી માટે ભારતીય એજન્સીઓને માલ્યાની જરૂર છે. 

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer